ભગવાનના મોસાળ સરસપુરમાં જ ઝાડા-ઊલટીના ઘરે ઘરે ખાટલા

અમદાવાદ: શહેરમાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થાય તેની પહેલા જ પાણીજન્ય રોગચાળાએ લોકોમાં ફફડાટ ફેલાવી દીધો છે.પ્રભુ જગન્નાથજીની આવતી કાલે રથયાત્રા છે અને ભગવાનના મોસાળ ગણાતા સરસપુરમાં દૂષિત પાણીથી ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે. એકલા ઝાડા-ઊલટીના સૌથી વધુ ૪૮ર ઇન્ડોર કેસ મ્યુનિ. હોસ્પિટલોમાં નોંધાયા છે.

સરસપુર વોર્ડમાં ઝાડા ઊલટીના જાન્યુઆરી ર૦૧૬માં ૭ર કેસ, ફેબ્રુઆરીમાં ૪૧ કેસ, માર્ચમાં ૬૭ કેસ, એપ્રિલમાં ૯પ કેસ, મેમાં ૧૧૬ કેસ, જૂનમાં ૮પ કેસ અને ર જુલાઇ સુધીમાં વધુ છ કેસ મળીને એકલી મ્યુનિ. હોસ્પિટલમાં જ ૪૮ર કેસ ચોપડે ચડેલ છે. ખાનગી હોસ્પિટલોમાં તો ઝાડા ઊલટીના ૧ર૦૦ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત ગત તા.૧ જાન્યુ.થી ૩૦ જુન દરમ્યાન ૪૪૬, અમરાઇવાડીમાં ૪૧ર અને બહેરામપુરામાં ૪૧૧ કેસ નોંધાયા છે. બાપુનગરમાં ૩૪૩, વિરાટનગરમાં ૩૦ર, દાણીલીમડામાં ર૮૧ કેસ નોંધાતા આ વોર્ડ પણ ઝાડા-ઊલટી ગ્રસ્ત બન્યા છે.

ઝોનવાઇઝ ઝાડા ઊલટીના કેસની વિગતો તપાસતા દ.ઝોનમાં સૌથી વધુ ૧૯૪૦, પૂર્વ ઝોનમાં ૧૩૬૭, ઉત્તર ઝોનમાં ૧૧૪૪, મધ્ય ઝોનમાં ૬૪૬, નવા પશ્ચિમમાં ર૦પ અને પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા ૧૭૮ કેસ મળીને સમગ્ર શહેરમાં જાન્યુથી જુનના પ્રથમ છ સપ્તાહમાં ઝાડા ઊલટીના કુલ પ૪૮૦ કેસ નોંધાયા છે. જૂનમાં કુલ ૧૪૮૭ કેસ નોંધાયા છે જે ગત વર્ષના જૂન મહિનાના ૮ર૧ કેસ કરતા લગભગ બમણા છે !

You might also like