હિટ કરતાં પણ પ્રશંસા મહત્ત્વનીઃ સારા જેન ડાયસ

વર્ષ ૨૦૦૭માં ફેમિના મિસ ઈન્ડિયાનો તાજ પોતાના નામે કરી ચૂકેલી સારા જેન ડાયસે કરિયરની શરૂઆત ચેનલ-વીના સુપરમોડલ હન્ટ શો ગ્રેટ ગો‌િર્જયસમાં એક્ટિંગ કરીને કરી હતી. આ શો બાદ તેણે દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને ત્યાંની ટોપ અભિનેત્રીઓને પણ માત આપી. ત્યારબાદ ‘ગેમ’ ફિલ્મથી તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી. ‘કયા સુપરકૂલ હૈ હમ’ દ્વારા તે લોકોના દિલ પર છવાઇ ગઇ. તેણે ‘ઓ તેરી’, ‘હેપી ન્યૂ યર’ જેવી ફિલ્મો પણ કરી. આ ઉપરાંત તેણે ‘એન્ગ્રી ઇન્ડિયન ગોડેસીસ’ ફિલ્મ દ્વારા તેની એક્ટિંગ સ્કિલ સાબિત પણ કરી.હવે તે ‘જુબાન’ ફિલ્મમાં જોવા મળશે.

ગુનિત મોવા નિર્મિત ‘જુબાન’ એક મ્યુઝિકલ ડ્રામા છે. આ ફિલ્મમાં તેની સાથે ‘મસાન’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેતા વિકી કૌશલ છે. ફિલ્મમાં તે એક સિંગરનો રોલ ભજવી રહી છે. જ્યારે ફિલ્મમાં વિકી એક પંજાબી છોકરાનો રોલ કરી રહ્યો છે, જેને મ્યુઝિક સાથે ખૂબ જ લગાવ છે. આ ઉપરાંત સારા ‘વાઇસરોય હાઉસ’ ફિલ્મ પણ કરી રહી છે. ‘એન્ગ્રી ઇન્ડિયન ગોડેસીસ’ને રેટિંગ તો સારું મળ્યું, પરંતુ તે જોઇએ તેવો બિઝનેસ ન કરી શકી. આ અંગે તે કહે છે કે એક કલાકાર માટે તેની ફિલ્મ હિટ થાય તે વસ્તુ મહત્ત્વની છે, પરંતુ તેનાથી વધુ મહત્ત્વની વાત છે, તેના કામને મળતી પ્રશંસા. ડાયરેક્ટર પેન નલિનની ‘એન્ગ્રી ઇન્ડિયન ગોડેસીસ’ને સારા અત્યાર સુધીની તેની કરિયરની તેની બેસ્ટ ફિલ્મ ગણાવે છે, કેમ કે આ ફિલ્મની કહાણી બોલિવૂડની અન્ય ફિલ્મોથી તદ્દન અલગ હતી. આ ફિલ્મમાં સાત મહિલાઓની અસલી તાકાતને બતાવાઇ છે.

You might also like