ઈંગ્લેન્ડના સ્પિન એડવાઇઝર સક્લેનના ભારત પ્રવાસથી વિવાદ સર્જાવાની શક્યતા

મુંબઈ: ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે ભારતનો પ્રવાસ કરનારી ક્રિકેટ ટીમના સ્પિન સલાહકાર તરીકે પાકિસ્તાનના ભૂતપૂર્વ ઑફ સ્પિનર સક્લેન મુશ્તાકને નિયુક્ત કર્યો છે અને સક્લેન એ જવાબદારી નિભાવવા તા. ૧ નવેમ્બરે (મંગળવારે) ભારત આવી રહ્યો છે, પરંતુ ભારતીય ક્રિકેટમાં એવી ચર્ચા છે કે શું સક્લેનને ભારતની ધરતી પર પોતાની ફરજ બજાવવા દેવામાં આવશે ખરી? તે ૧૫ દિવસ ભારતમાં રહેવાનો છે અને પછી ભારતથી રવાના થઈ જશે.

વાનખેડે સ્ટેડિયમમાં ૮ ડિસેમ્બરે ઇંગ્લૅન્ડ સામે ભારતની ચોથી ટેસ્ટ મૅચ શરૂ થવાની છે, પરંતુ સક્લેન એ પહેલાં જ ભારતમાંથી રવાના થઈ ગયો હશે એટલે તેના મુંબઈ પ્રવાસનો મુદ્દો ઉપસ્થિત નહીં થાય. જોકે તેના ૧૫ દિવસના રોકાણ દરમિયાન રાજકોટમાં ભારત-ઇંગ્લૅન્ડની પ્રથમ ટેસ્ટ રમાવાની છે. સક્લેને કહ્યું છે કે તેને ભારતમાં સલામતી અંગે પૂરી ખાતરી આપવામાં આવી છે. તેના આ પ્રવાસ દરમિયાન કોલકતા સહિત કેટલાંક શહેરોમાં ઇંગ્લિશ ટીમ માટે સક્લેનના સમાવેશ સાથેનો કન્ડિશનિંગ કૅમ્પ પણ યોજાવાનો છે.

પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં તેમ જ ભારતનાં બીજાં રાજ્યમાં આતંકવાદ ફેલાવવામાં કોઈ કસર બાકી નથી રાખી એને કારણે થોડાં અઠવાડિયાંથી પાકિસ્તાન સાથે ભારતના સંબંધો જે રીતે હદ બહાર વણસ્યા છે એને પગલે પાકિસ્તાની કલાકારોને ભારતમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યા છે તેમ જ તેમની ફિલ્મોનો બહિષ્કાર થઈ રહ્યો છે એ જોતાં ક્રિકેટમાં પણ એવું બની શકે અને સક્લેનનો મુદ્દો કદાચ ચકચારભર્યો બની શકે.

સક્લેને કહ્યું, “મને ઈંગ્લેન્ડના સ્પિન બૉલરોને ભારતમાં શ્રેણી માટેની તૈયારીમાં મદદ કરવા માટે નીમવામાં આવ્યો છે. ભારતની વિકેટો સ્પિન બૉલિંગને અનુકૂળ આવતી હોય છે અને ભારતીય સ્પિનર્સ સામે રમવા હું ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પણ ટિપ્સ આપીશ.” ઓફ-સ્પિનર સક્લેન ૧૯૯૯માં પાકિસ્તાન વતી ભારતમાં રમવા આવ્યો હતો અને મુખ્યત્વે તેની બૉલિંગના પ્રતાપે તેની ટીમે ચેન્નઈ અને કોલકાતા ખાતેની ટેસ્ટ મેચો જીતી હતી.

જોકે સક્લેન હવે બ્રિટનનો નાગરિક બની ચૂક્યો છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે વર્તમાન તંગદિલી છતાં તે ભારત આવવા અંગે કોઈ ચિંતા કરતો નથી.

You might also like