ઉસ્તાદ અમજદઅલી ખાન, અમાન-અયાનનાં સરોદવાદનથી ‘સંમોહન’

અમદાવાદ: સપ્તક સંગીત સમારોહની નવમી રા‌િત્રનો પ્રારંભ યશવંત વૈષ્ણવના તબલાંવાદનથી થયો. ત્યારબાદ ઉસ્તાદ શૌકત નિયાઝીનું કંઠ્યગાન અને અમાનઅલી-અયાનઅલીનું સરોદવાદન પ્રસ્તુત થયું હતું. અંતમાં ઉસ્તાદ અમજદઅલી ખાનનું નવાબી ઠાઠ સરોદવાદન રજૂ થતાં શ્રોતાઓ ઝૂમી ઊઠ્યા હતા.

સપ્તકના પ્રથમ ચરણમાં છત્તીસગઢના યશવંત વૈષ્ણવે તબલાંવાદન રજૂ કર્યું હતું, જેમાં તેમણે પરંપરાગત તાલ-તીનતાલમાં પેશકાર, કાયદા, રેલા, ગત અને ટુકડા રજૂ કર્યા હતા. તેમની સાથે હાર્મોનિયમ પર નિલય સાળવીએ સંગત કરી હતી. ત્યાર બાદ ઉસ્તાદ શૌકત નિયાઝીનું કંઠ્યગાન રજૂ થયું હતું. તેમણે રાગ જનસમ્મોહિતની કૃતિ પ્રસ્તુત કરી હતી. આલાપના દૃઢીકરણ પછી તરનાની રમઝટ બોલાવી હતી. હાર્મોનિયમ પર રાજુ ગાંધર્વ, હેમંત જોશીએ તબલાં અને હેમંત ભટ્ટે પખવાજ પર સંગત કરી હતી. સપ્તકની રા‌િત્રના ત્રીજા સેશનમાં અમાનઅલી અને અયાનઅલીના સરોદવાદનથી માહોલ સંગીતમય બની ગયો હતો. તેમણે તીનતાલમાં રાગ માલકૌંસ રજૂ કરી આલાપ, જોડ, ઝાલાથી અદ્ભુત વાતાવરણ જમાવ્યું હતું. તબલાં પર કુમાર બોઝ અને શુભ મહારાજે સાથ આપ્યો હતો.

અંતિમ ચરણમાં પ્રખ્યાત સરોદવાદક ઉસ્તાદ અજમદઅલી ખાને સરોદના તાર છેડીને શ્રોતાઓને સુરમય વિશ્વની સફર કરાવી હતી. તેમણે સૌપ્રથમ રાગ ખમાજ છેડ્યો. તે પછી આલાપ, જોડ, ઝાલાની સૂર સજાવ્યા. પંડિત ઓમકારનાથજીને સમર્પિત ‘જોગી મત જા’ જેવી વિશ્વપ્રસિદ્ધ રચનાઓ સાંભળવાનો લહાવો શ્રોતાઓને મળ્યો હતો.

આજનો કાર્યક્રમ
સરસ્વતી રાજગોપાલન-વીણા
રમેશ શ્રીનિવાસ-મૃદંગમ્
મણિકંધન -ઘટમ્
સુમન ઘોષ-વોકલ
હિંડોલ મજુમદાર-તબલાં
સુધીર યાર્દી-હાર્મોનિયમ
પં.હરિપ્રસાદ ચૌર‌િસયા-વાંસળી
શુભાંકર બેનરજી-તબલાં

http://sambhaavnews.com/

You might also like