‘શંક બાંસુરી’ના કર્ણપ્રિય સૂરોથી રોનુ મજુમદારે અનોખી રંગત જમાવી

અમદાવાદ: સપ્તક સંગીત સમારોહની બારમી રાત્રિએ કડકડતી ઠંડી વચ્ચે પણ શ્રોતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રથમ ચરણમાં કોલકાતાના ઉસ્તાદ ઈર્શાદ ખાને સૂર બહાર સિતાર વાદન રજૂ કર્યું. બીજા ચરણમાં બનારસ ઘરાનાનાં પંડિત મોહનલાલ મિશ્રાએ ગાયન તેમજ ત્રીજા ચરણમાં રોનુ મજુમદારે વાંસળી વાદન પ્રસ્તુત કર્યું, અંતિમ ચરણમાં પંડિત ઉલ્હાસ કાશલકરનું શાસ્ત્રીય સંગીત રજૂ થયું.

પ્રથમ ચરણમાં મૂળ કોલકાતાના ઉસ્તાદ ઈર્શાદ ખાને સિતાર પર રાગ દરબારી છેડ્યો. જેમાં આલાપ, જોડ, ઝાલા ,પેશ કર્યા બાદ તાલ ચૌતાલમાં ગત વગાડી. ત્યાર બાદ તેમણે રાગ પીલુમાં ‘પિયા મોરે’ ગાઈને શ્રોતાઓનાં દિલ જીતી લીધાં. તેમે પખવાજ પર પ્રતાપ આવડે સંગત કરી. બીજા ચરણમાં બનારસ ઘરાનાના ગાયકીના છડીદાર પંડિત મોહનલાલ મિશ્રાએ રાગ ગોરખ કલ્યાણમાં ‘મેરા મન ભાવે શ્યામ કી બતિયા’ગાયું હતું.તેમજ છોટા ખયાલમાં ‘મુરલિયા બાજે બાજે ‘એ પછી ઠુમકતી ઠુમરી ‘બાંકા બના રે સાંવરિયા’ જેવી અદ્દભુત રચનાઓથી વાતવરણ સંગીતમય બની ગયું હતું. તેમને તબલાં પર ગોપાલ મિશ્રા, હાર્મોનિયમ પર કાંતાપ્રસાદ તથા સારંગી પર અમદાવાદના ઈકરામ ખાને રંગત જમાવી હતી.

અંતિમ ચરણમાં મહિયર ઘરાનાના વરિષ્ઠ કલાકાર રોનુ મજુમદારે પોતાની શોધ રૂપી ત્રણ ફુટની વાંસની વાંસળી નામે ‘શંક બાંસુરી’નું સર્જન કર્યું છે. મજુમદારે વાંસળી પર રાગ આભોગી પ્રસ્તુત કરીને યુવા વર્ગને આકર્ષિત કર્યા હતા. તેમની સાથે પૃથ્વીરાજ મિશ્રાએ તબલાં પર સંગત કરી હતી.
http://sambhaavnews.com/

You might also like