સંકટ હરનાર સંકટ ચતુર્થી

જેમ હનુમાનજી મહારાજ સંકટમોચક છે તેમ ગણેશજી સંકટહરન છે. ગણેશજી શિવપુત્ર છે. મા ગૌરી તેમનાં માતા છે. દેવતાઓના સેનાપતિ કાર્તિક સ્વામી મહારાજ તેમના જયેષ્ઠ બંધુ છે. રિદ્ધિ તથા સિદ્ધના તેઓ સ્વામી છે. લાભ અને શુભના તેઓ પિતા છે. તેમને લાલ વસ્ત્ર ખૂબ ગમે છે. જાસૂદ તથા દૂર્વા તેમનાં પ્રિય પુષ્પ છે. તેમના કાન સૂપડાં જેવાં વિશાળ છે. દુનિયાની ઝીણામાં ઝીણી વસ્તુ તેમને સ્પષ્ટ સંભળાય છે. તેમનાં નેત્ર ઝીણાં છે પરંતુ તેઓ દરેક વસ્તુ એકદમ સ્પષ્ટ જોઇ શકે છે. તેમનું વિશાળ પેટ છે. તેથી તેઓ વૃકોદર કહેવાય છે. તેમના પેટમાં રહેલી વસ્તુ કદી બહાર નીકળતી નથી. તેમનાં અનેક નામ છે. પરંતુ તેમનાં ૧ર નામ ખૂબ દિવ્ય છે. તેનું સ્મરણ કરતાં જ જે તે ભક્ત નાં અનેક કષ્ટ અડધા તો ત્યાં જ નામશેષ થઇ જાય છે.
ગણેશજી એટલે સંકટહરણ દેવ તેમની કૃપા જે મનુષ્ય કે જે ભક્ત પૂજનીય દેવ છે તે મંગલમૂર્તિ છે. મંગળ કરનારા છે.
જો શિવજી ઉપર કોઇ ભક્ત જળનો લોટો તથા ધતૂરાનું પુષ્પ ચડાવે તો શિવજી પ્રસન્ન થઇ જાય છે તેમ જો કોઇ ભક્ત ગણેશજીને દૂર્વા તથા જાસૂદનું લાલ પુષ્પ ચડાવે તો તેનો બેડો પાર થઇ જાય છે. હા, ગણેશજીને ચડાવેલા પ્રસાદમાં તુલસીપત્ર અવશ્ય મુકવું. કારણ તુલસીપત્ર સિવાયનો પ્રસાદ જે તે દેવને પહોંચતો નથી.
રકતં લંબોદર સૂર્યકર્ણકં રક્તવાસસમ્
રક્તગંધાનું લિખાંગ રક્ત પુષ્પૈ સુપૂજિતમ્ ।।
ગણેશ અથર્વશીર્ષ કહે છે કે
લાલ રંગમાં શ્રી ગણેશ છે જેમનાં સૂપડાં જેવા કાન છે. તેમનાં વસ્ત્રોનો રંગ લાલ છે તેમના શરીર ઉપર અંગરાગ છે. તે લાલ પુષ્પથી જ પૂજાય છે. જીવનના દરેક તબક્કે જીતમાં આવેલી બાજી હારી જવાતી હોય તો આવા મહાનાયક ગણેશજીની સંકટચતુર્થી કરો. આ વ્રત તો દેવતાઓ પણ તેમનાં કઠિન કાર્ય પાર કરવા કહે છે. મહાદેવજીએ ત્રિપુરાસુરનો વધ કરવા, દમયંતીએ નળની શોધ કરવા, ગયેલું રાજ્ય પાછું પ્રાપ્ત કરવા પાંડવોએ આ વ્રત કર્યાના દાખલા છે.
વિધિ ઃ સંકષ્ટચતુર્થીના દિવસે પ્રાતઃકાળે ઊઠી પ્રાતઃકાર્ય પતાવી સંકટચતુર્થીનું વ્રત ગ્રહણ કરવું. વ્રતનો સંકલ્પ લેવો. ચંદ્રોદય થાય ત્યાં સુધી નિરાહાર રહેવું. ચંદ્રોદય બાદ સૂર્યદેવને અર્ધ્ય આપી તેમને નમસ્કાર કરવા. તેમનું પણ પૂજન કરવું.
સંકટચોથ હોય તે દિવસે શકય હોય તો સોના, ચાંદી, તાંબા, પીત્તળ કે પંચધાતુની અથવા લાકડા કે માટીની મૂર્તિની (ગણેશજી) સ્થાપના કરવી તેમની પૂજા કરવી. તેમનાં પ્રતીક સમાન સોપારી નાગરવેલના પાનમાં મૂકી તેનું પૂજન કરવું.
ખાસ તો દૂ્ર્વા તથા લાખ જાસૂદ ચડાવવું. ગોળ અથવા લાડુનું નૈવૈદ ધરાવવું. રાત્રી જાગરણ કરવુ. ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો. સંકટનાશક ગણેશસ્ત્રોતનો પાઠ પણ કરી શકાય. યથાશક્તિ દાન કરવું. પ્રસાદમાં આઠ મોદક ધરાવવા. જો કોઇ ભક્ત જાણકાર કર્મકાંડ હોય તો ચોથને દિવસે આઠ મોદકની આહુતિ આપવી. આમ કરવાથી ગણેશજી ખૂબ
પ્રસન્ન થાય છે. જે તે ભક્તનાં દુઃખ
દૂર થાય છે. જો કોઇ મનુષ્યને કોઇ જ કષ્ટ ન હોય તો પણ તે આ વ્રત કરી શકે છે. જેનાં પ્રતાપે તે પુષ્કળ સુખ પ્રાપ્ત કરે છે.•

You might also like