મેચ ફિક્સિંગના આરોપી સંજીવ ચાવલાના પ્રત્યર્પણની કોશિશ તેજ

લંડન: વર્ષ ૨૦૦૦ના મેચ ફિક્સિંગકાંડમાં યુકે પોલીસને મોટી સફળતા મળી છે. યુકે પોલીસે લંડનમાં આ મેચ ફિક્સિંગકાંડના મુખ્ય આરોપી અને બુકી સંજીવ ચાવલાની ધરપકડ કરી છે. આ મેચ ફિક્સિંગ સ્કેન્ડલમાં દક્ષિણ આફ્રિકાની ટીમનો પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોન્યે પણ સંડોવાયેલો હતો, જોકે ક્રોન્યેનું ૨૦૦૨માં એક વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું.

દિલ્હી પોલીસ આ મેચ ફિક્સિંગ સ્કેન્ડલની તપાસ કરી રહી હતી અને સંજીવ ચાવલાની ધરપકડ બાદ હવે દિલ્હી પોલીસે તેના પ્રત્યર્પણ માટે યુકેને અપીલ કરી છે. તેના જવાબમાં યુકેના અધિકારીઓએ દિલ્હી પોલીસ પાસે તેની જેલમાં સુરક્ષાવ્યવસ્થા અને સુવિધાઓ અંગે વિસ્તૃત જાણકારી માગી છે કે જ્યાં સંજીવ ચાવલાને રાખવામાં આવશે.

અહેવાલો અનુસાર દિલ્હી પોલીસે વિદેશ મંત્રાલય મારફતે યુકેની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (સીપીએસ)ને જવાબ આપ્યો છે કે સંજીવ ચાવલાને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવશે, જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ છે.
સીપીએસના પ્રવકતા યાસીર મહેમૂદે જણાવ્યું હતું કે સંજીવ ચાવલાની ધરપકડ કરવામાં આવી છે. ચાવલાની ભારત સરકારની અપીલ પર ધરપકડ કરવામાં આવી હતી.

તેના પર વર્ષ ૨૦૦૦માં ભારત અને દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ મેચ ફિક્સ કરવાનો આરોપ છે. સંજીવ ચાવલા કેસની સુનાવણી લંડનના વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ૩ ઓક્ટોબરે યોજાશે.  આ કેસમાં દિલ્હી પોલીસે જુલાઈ-૨૦૧૩માં એક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં હેન્સી ક્રોન્યેનું નામ પણ સામેલ હતું.

૭૦ પાનાંની આ ચાર્જશીટમાં સંજીવ ચાવલા અને હેન્સી ક્રોન્યેને વર્ષ ૨૦૦૦માં ૧૬ ફેબ્રુઆરી અને ૨૦ માર્ચના રોજ રમાયેલી ભારત-દ. આફ્રિકાની મેચ ફિક્સ કરવા માટે જવાબદાર ગણવામાં આવ્યો હતો.

You might also like