ભારત જાણે છે કે ફક્ત સ્પિન પીચ જ તેને વિજય અપાવી શકે છેઃ સંજય

મુંબઈઃ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકરે કહ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમ જાણે છે કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટમાં જીત ફક્ત સ્પિન બોલિંગને અનુકૂળ પીચ પર જ મળી શકે છે. ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ૨૫ નવેમ્બરથી ત્રીજી ટેસ્ટ માટે નાગપુર ખાતે મેદાનમાં ઊતરશે. ચાર મેચની શ્રેણીમાં ભારત મોહાલી ટેસ્ટ જીતીને ૧-૦ની સરસાઈ લઈ ચૂક્યું છે. બેંગુલુરુમાં રમાયેલી બીજી ટેસ્ટ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

નાગપુરની વાત કરીએ તો આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી પ્રથમ શ્રેણીની મેચમાં અહીં સ્પિન બોલર્સે અત્યાર સુધીમાં ૫૧ વિકેટ ઝડપી છે, જ્યારે ફાસ્ટ બોલર્સ ફક્ત ૧૭ બેટ્સમેનને આઉટ કરી શક્યા છે.

સંજય માંજરેકરે કહ્યું, ”ટીમ ઇન્ડિયા એ સારી રીતે સમજી ચૂકી છે કે જો તેણે દક્ષિણ આફ્રિકાને હરાવવું હોય તો તે ફક્ત સ્પિન બોલર્સને અનુકૂળ હોય એવી પીચ પર જ હરાવી શકે છે અને જો સ્પિનર્સને અનુકૂળ પીચો જ બનાવવામાં આવશે તો દક્ષિણ આફ્રિકાની ટીમ એક પણ મેચ જીતી નહીં શકે.દક્ષિણ આફ્રિકા પાસે મોન્ટી પાનેસર અને ગ્રીમ સ્વોન જેવા સ્પિનર્સ નથી, જે ભારતીય બેટ્સમેનને મુશ્કેલીમાં મૂકી શકે. તેઓની બેટિંગ લાઇનઅપમાં પણ આમલા અને ડિવિલિયર્સને બાદ કરતાં બહુ ઊંડાણ નથી.”

You might also like