સાનિયા મિર્ઝા પર રૂ.ર૦ લાખના સર્વિસ ટેક્સની ચોરીનો આરોપ

હૈદરાબાદ: ભારતની સૌથી સફળ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાને સર્વિસ ટેકસ વિભાગે નોટિસ ફટકારી છે. આ નોટિસ તેની પાસેથી બાકી નીકળતા રૂ.ર૦ લાખના સર્વિસ ટેકસ અંગે આપવામાં આવી છે. સર્વિસ ટેકસ વિભાગે નોટિસ ફટકારીને સાનિયાને ૧૬ ફેબ્રુઆરી સુધીમાં હાજર થવા આદેશ કર્યો છે.

અહેવાલો અનુસાર પ્રિન્સિપાલ કમિશનર દ્વારા આપવામાં આવેલી આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ફાઇનાન્સ લો ૧૯૯૪ની જોગવાઇ અને નિયમો અનુસાર સર્વિસ ટેકસ ચૂકવ્યો નહીં હોવાથી તમારી પૂછપરછ જરૂરી છે. આ કેસમાં તમે સ્વયં કે તમારા કોઇ પ્રતિનિધિ જવાબ આપવા આવી શકે છે. મને વિશ્વાસ છે કે તમારી પાસે આ તપાસ સાથે સંકળાયેલા દસ્તાવેજો અને હકીકતલક્ષી વિગતો હશે.

આ નોટિસમાં વધુમાં જણાવાયું છે કે જો સાનિયા મિર્ઝા અથવા તેમના દ્વારા નક્કી કરવામાં આવેલ પ્રતિનિધિ નિર્ધારિત સમયે ઓફિસમાં હાજર રહેવામાં કસૂરવાર ઠરશે અથવા સર્વિસ ટેકસ સાથે સંકળાયેલ કેસમાં હકીકત કે સાચો જવાબ રજૂ કરવામાં નિષ્ફળ જશે તો તમને દંડ થશે.

આ અંગેની વિગતો એવી છે કે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ સર્વિસ ટેકસની ચુકવણી કરી નથી અને તેેથી સર્વિસ ટેકસ વિભાગ દ્વારા ૬ ફેબ્રુઆરીના રોજ સમન્સ જારી કરતી નોટિસ બજાવવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like