બ્રિસબેન ટાઇટલ સાથે સાનિયા-હિંગીસની જોડીનો શુભારંભ

બ્રિસબેન : મહિલા ડબલ્સમાં દુનિયાની નંબર વન જોડી સાનિયા મિરઝા અને માર્ટિના હિંગીસે 2016ના વર્ષની શાનદાર શરૂઆત કરી છે. આ જોડીએ બ્રિસબેન ઇન્ટરનેશનલ ખિતાબ પોતાના નામે કરી લીધો છે. અહીં રમાયેલ ફાઇનલમાં સાનિયા અને હિંગીસની જોડીએ જર્મન જોડીને 7-5, 6-1થી પરાજય આપી 2016ના વર્ષનું પ્રથમ ટાઇટલ જીતી લીધું છે.  આ જીત સાથે વિશ્વની નંબર વન જોડીએ આ મહીને રમાનાર 2016ના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ ઓસ્ટ્રેલિયા ઓપનમાં પોતાની દાવેદારી નોંધાવી દીધી છે. આ જોડીની આ સતત 26મી જીત છે.

સાનિયા અને હિંગીસની જોડીએ 2015ના વર્ષમાં 5 ટાઇટલ પોતાના નામે કર્યા હતા. આ જોડીએ નવું વર્ષ એટલે કે 2016માં પણ ધમાકેદાર શરૂઆત કરી છે. સાનિયા-હિંગીસની જોડીએ આ મેચ એક કલાક નવ મીનીટમાં જીતી લીધી હતી. પહેલો સેટ આ જોડીએ 43 મિનીટમાં જીત્યો જ્યારે બીજો સેટ માત્ર 26 મિનીટમાં જીત મેળવી હતી. સાનિયા-હિંગીસની જોડીને જર્મન જોડીએ પ્રથમ સેટમાં ભારે લડત આપી છતાં તેઓનો પરાજય થયો હતો. પ્રથમ સેટ બાદ સાનિયા-હિંગીસની જોડીએ બીજા સેટ પર પોતાની પક્કડ પહેલાથી મજબુત કરી બંને સેટ પર જીત મેળવી.

You might also like