અહો! સાનિયા-બોપન્નાની જોડી સેમિફાઇનલમાં પહોંચી

રિયોઃ ઓલિમ્પિકમાં લાંબા સમય બાદ બહુ જ ખુશીના સમાચાર આવ્યા છે. ટેનિસના મિક્સ્ડ ડબલ્સ મુકાબલામાં સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડી સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઇનલના એક મહત્ત્વપૂર્ણ મુકાબલામાં સાનિયા-બોપન્નાની ભારતીય જોડીએ ઈંગ્લેન્ડના એન્ડી મરે અને હિથર વોટ્સનની જોડીની એકતરફી મુકાબલામાં હરાવી દીધી હતી.

સાનિયા-બોપન્નાએ હિથર-મરેની બ્રિટિશ જોડીને ૬-૪, ૬-૪થી હરાવી મિક્સ્ડ ડબલ્સની સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. આ જીત સાથે જ ભારતની ટેનિસમાં એક મેડલની આશા જાગી ઊઠી છે. પોતાના પ્રથમ મુકાબલામાં સાનિયા-બોપન્નાએ ઓસ્ટ્રેલિયન જોડી સામંથા સ્ટ્રોસુર અને જોનાથ પીયર્સને માત આપી હતી.

રમતની શરૂઆતમાં જ ભારતીય જોડીએ થોડી ભૂલો કરી હતી અને ૦-૨થી પાછળ રહી ગઈ હતી, પરંતુ ત્યાર બાદ સાનિયા-બોપન્નાએ બહુ જ શાનદાર વાપસી કરી અને પહેલો સેટ ૬-૪થી પોતાના નામે કરી લીધો. બીજા સેટમાં ભારતીય જોડી મરે અને વોટ્સન પર સવાર થયેલી જોવા મળી અને ૬-૪થી બીજો સેટ પણ જીતી લઈને મુકાબલો પોતાના નામે કરી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.

You might also like