વિરાટની કેપ્ટનશિપ આક્રમક છે અને ટીમ પણ તેની રમતને સમજે છેઃ પાટીલ

નવી દિલ્હીઃ બીસીસીઆઇના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર સંદીપ પાટીલે વિરાટ કોહલીને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. સંદીપ પાટીલે કહ્યું, ”વિરાટ એક એવો ખેલાડી છે, જેના પર અંડર-૧૯માં રમતો હતો ત્યારથી જ નજર હતી. વિરાટ એક સખત કેપ્ટન છે અને તે એક ફેમિલીની જેમ ટીમનાં બધાંને સાથે લઈને ચાલે છે.”

પાટીલે કોહલીની કેપ્ટનશિપ ઉપરાંત પાછલાં ચાર વર્ષમાં ટીમ ઇન્ડિયામાં થયેલા કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફાર અંગે પણ ઘણી જાણકારીઓ આપી હતી. મહેન્દ્રસિંહ ધોની પાસેથી ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પાછી લઈ લેવા અંગે સંદીપ પાટીલનું કહેવું હતું કે ઘણાં નામ પર ચર્ચા થઈ અને છેવટે મંજૂરીની મહોર વિરાટ કોહલીના નામ પર લાગી. પાટીલે કહ્યું, ”એવું નથી કે કેપ્ટન માટે ટીમમાં કોઈ અન્ય ખેલાડીનું નામ નહોતું આવ્યું, અન્ય ખેલાડી પણ હતા જ, પરંતુ વિરાટની લીડરશિપ સૌથી અલગ છે. વિરાટ ખુદ કેપ્ટન તરીકે ટીમને પ્રેરણા આપે છે.”

વર્તમાન વન ડે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચેનું અંતર બતાવતાં પાટીલે કહ્યું, ”વિરાટની કેપ્ટનશિપ આક્રમક છે અને ટીમના ખેલાડી પણ તેની આ રમતને સમજે છે, જ્યારે ધોની ઠંડા દિમાગથી રણનીતિ બનાવે છે.”

You might also like