ગ્યાસપુર નજીક સરકારી જમીનમાંથી રેતીચોરીનું કૌભાંડઃ બેની અટકાયત

અમદાવાદ: શહેરના છેવાડે આવેલા ગ્યાસપુર ગામની સીમમાં આવેલી સાબરમતી નદીની બાજુમાં સરકારી જમીનમાંથી રેત ખનનનું કૌભાંડ ગ્રામ્ય એસઓજીની ટીમે ઝડપી પાડ્યું છે. પોલીસે ત્રણ જેસીબી, દશ ટ્રેક્ટર ટ્રોલી સહિત રૂ. ૧.૩૬ કરોડનો મુદ્દામાલ કબજે કરી બે લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગ્યાસપુર ભાઠા, અસલાલી જેવા વિસ્તારોમાં રેત માફિયાઓનું રાજ વધી ગયું છે. રેત ખનનના અનેક કિસ્સાઓ બનતા હોય છે. સાબરમતી નદી તેમજ આસપાસમાં આવેલી સરકારી જમીનમાંથી રેતીની ચોરી કરવામાં આવતી હોય છે. ગત રાતે અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમને બાતમી મળી હતી કે ગ્યાસપુર ગામની સીમમાં સાબરમતી નદીની બાજુમાં સરકારી જમીનમાં રેત ખનન થઇ રહ્યું છે, જેને આધારે પીએસઆઇ વી.એમ. કોલાદ્રા અને ટીમે દરોડો પાડી રેત ચોરી કરતા બે લોકોની અટકાયત કરી હતી.

પોલીસે ત્રણ જેસીબી, બે ડમ્પર, ૧૨ ટ્રેક્ટર ટ્રોલી સહિત રૂ. ૧.૩૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા આજે સરકારી જમીનમાંથી કેટલી ચોરી કરવામાં આવી છે, કેટલા સમયથી આ કૌભાંડ ચાલે છે તેમજ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ ગ્રામ્યના અસલાલી, ગ્યાસપુર અને આસપાસના વિસ્તારોમાંથી સાબરમતી નદીમાંથી રેત ખનન કરવાના કૌભાંડ ચાલી રહ્યાં છે, પરંતુ ગ્રામ્ય પોલીસ આંખ આડા કાન કરતી હોય છે. પોલીસ સુધી હપતા ન પહોંચતાં પોલીસ રેત ખનન ચોરીનો કેસ કરી કૌભાંડ ઝડપ્યું હોવાના દાવા કરતી હોય છે, પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ હોય છે.

You might also like