વિરાટ હજુ વધુ નીખરશેઃ જયસૂર્યા

પટનાઃ શ્રીલંકાના એક સમયના વિસ્ફોટક બેટ્સમેન સનથ જયસૂર્યા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમના પ્રદર્શનથી બહુ જ ખુશ છે. આનો શ્રેય તેણે વિરાટ કોહલી અને તેના યુવા ખેલાડીઓને આપ્યો. ગઈ કાલે એક કાર્યક્રમમાં અહીં આવેલા જયસૂર્યાએ ખાસ વાતચીતમાં કહ્યું કે વિરાટની કેપ્ટનશિપનો તે દીવાનો થઈ ગયો છે. તેણે જે રીતે ઈંગ્લેન્ડ સામે દબાણ ઝીલી બધા ખેલાડીઓ પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવ્યું તે પ્રશંસાને પાત્ર છે. ભવિષ્યમાં હજુ પણ વિરાટ વધુ ને વધુ નીખરશે. તેની ટીમ બહુ જ સંતુલિત છે, જેમાં પ્રતિભાશાળી યુવા ખેલાડીઓની ફોજ છે.
જયસૂર્યાએ કહ્યું, ”કરુણ નાયર આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્રીજી જ ટેસ્ટમાં ૩૦૦ રન બનાવવા આસાન નથી હોતા. એના માટે ધૈર્યની જરૂર પડે છે. તે પરિસ્થિતિના હિસાબથી દ્રવિડ કે સેહવાગવાળી ભૂમિકા નિભાવવા સક્ષમ છે, કરુણ લાંબી રેસનો ઘોડો છે.” કુંબલે અંગે વાત કરતાં જયસૂર્યાએ જણાવ્યું, ”ભારતીય ટીમ સાથે એક સારી વાત એ છે કે તેઓ પાસે અનિલ કુંબલે છે. તે એક શાનદાર ક્રિકેટર રહ્યો છે. હવે શાનદાર કોચ સાબિત થઈ રહ્યો છે. હજુ તો તેણે શરૂઆત કરી છે, મને લાગે છે કે લાંબા સમય સુધી તે ભારતીય ટીમને સેવા આપતો રહેશે.”
http://sambhaavnews.com/

You might also like