સંઘર્ષ ક્યારેય પૂરો થતો નથીઃ સના ખાન

ઘણી બધી જાહેરાતોમાં કામ કર્યા બાદ સના ખાને દક્ષિણ ભારતમાં લગભગ ૧૫ જેટલી ફિલ્મોમાં અભિનય કરીને ખૂબ જ પ્રશંસા મેળવી. ‘હલ્લાબોલ’ ફિલ્મમાં નાનકડું પાત્ર ભજવીને તે બોલિવૂડ સુધી પહોંચી. ત્યારબાદ ‘બિગ બોસ’, ‘જય હો’ અને વિશાલ પંડ્યાની ફિલ્મ ‘વજહ તુમ હો’. આ ફિલ્મમાં સનાએ બોલ્ડ પાત્ર ભજવ્યું. તે કહે છે કે મેં જે પાત્ર ભજવ્યું હતું તે મારી રિયલ લાઇફથી એકદમ વિપરીત હતું. હું વાસ્તવિક જિંદગીમાં જે છું તેના કરતાં વિપરીત પાત્ર ભજવવું મારા માટે એક મોટો પડકાર હતો, પરંતુ મને ચેલેન્જિંગ રોલ મળ્યો. આગળ પણ એવા રોલ મળશે તો હું તેને કરવામાંથી ક્યારેય પાછી નહીં હટું. મને રોમેન્ટિક, એક્શન અને થ્રિલર ફિલ્મો ખૂબ જ પસંદ છે, પરંતુ ફિલ્મ સાઇન કરતી વખતે હું સૌથી પહેલાં બેનર જોઉં છું. ત્યારબાદ ફિલ્મના ડિરેક્ટર, સ્ક્રિપ્ટ અને પછી સ્ટાર કાસ્ટ જોઉં છું.

સના કહે છે કે એક કલાકારનો સંઘર્ષ ક્યારેય પૂરો થતો નથી. સફળતા મેળવવા માટે દરેક ફિલ્મમાં કંઇક નવું કરવું પડે છે અને તે માટે સંઘર્ષ કરવો પડે છે. સંઘર્ષનું સ્વરૂપ બદલાય છે. અન્ય અભિનેત્રીઓની જેમ સનાને પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો. તે કહે છે કે હું મુંબઇથી છું, પરંતુ શરૂઆતમાં ખૂબ જ સંઘર્ષ રહ્યો, કેમ કે ત્યારે તમને કોઇ પણ વસ્તુની જાણ હોતી નથી અને લોકો તેનો ફાયદો ઉઠાવે છે. મારી સામે એવા ઘણા લોકો આવ્યા, જેમણે ફિલ્મમાં કામ કરવા મારી સામે અજીબ શરત રાખી. હું ક્યારેક વિચારું છું કે શું તે લોકોએ પોતાનો ચહેરો અરીસામાં જોયો નહીં હોય. ‘જય હો’ ફિલ્મથી સનાની કરિયરને કોઇ ફાયદો ન થયો. તે કહે છે કે સારો ફાયદો ન થયો અને ખરાબ પણ ન થયો, પરંતુ ફિલ્મ સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે ફિલ્મમાં ડેઝીના બદલે સનાને અભિનેત્રી તરીકે લેવી જોઇતી હતી. આ વાત મારા માટે મોટી ઉપલબ્ધિ હતી. •

You might also like