મોબાઇલ ફોન બાદ સેમસંગનાં વોશિંગ મશીન પણ ફાટ્યાં

સોલઃ પોતાના સ્માર્ટ ફોન ગેલેક્સી નોટ ૭માં બેટરી ફાટવાની સમસ્યાના કારણે કોરિયાની સેમસંગ ઈલેક્ટ્રોનિકસે દુનિયાભરમાંથી સ્માર્ટ ફોન પાછા મંગાવી લીધા છે. જોકે આ કંપનીના સમસ્યાઓનો અંત આવ્યો નથી. અમેરિકામાં સેમસંગનાં કેટલાંક વોશિંગ મશીન ફાટવાના સમાચાર આવ્યા છે. કંપનીએ કહ્યું કે તે પોતાનાં કેટલાંક મશીનોમાં સલામતી સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને અમેરિકાની સંસ્થા સાથે વાત કરી રહી છે. સાઉથ કોરિયન ટેક કંપનીનું આ નિવેદન યુએસ કન્ઝ્યુમર પ્રોડક્ટ સેન્ટી કમિશનની ચેતવણી બાદ આવ્યું છે. સીપીએસસીએ મશીનો ફાટવાના સમાચાર આવ્યા બાદ લોકોને ચેતવણી આપી છે.

કંપની અને સીપીએસસી બંનેએ કહ્યું કે માર્ચ ૨૦૧૧ અને એપ્રિલ ૨૦૧૬ની વચ્ચે બનાવાયેલાં કેટલાંક ટોપ લોડ વોશિંગ મશીનમાં આ સમસ્યા જોવા મળી રહી છે. સેમસંગે જણાવ્યું કે જે યુનિટ્સમાં આ પ્રોબ્લેમ છે તેમાં બેડિંગ કે અન્ય ભારે વસ્તુઓ ઘોતી વખતે અસામાન્ય રીતે વાઈબ્રેશન થવાના કારણે પ્રોબ્લેમ થઈ શકે છે અથવા અન્ય નુકસાન થઈ શકે છે.

કંપનીનું કહેવું છે કે જે મોડલ્સમાં આ સમસ્યા આવી રહી છે તેમાં આ પ્રકારની વસ્તુઓ ધોતાં પહેલાં ઓછી સ્પીડવાળી ડેલિકેટ સાઈકલ પસંદ કરવી જોઈએ. હજુ સુધી આ જાણકારી મળી શકી નથી કે કેટલા મશીનમાં આ પ્રોબ્લેમ આવ્યો છે.

You might also like