યુપીનું દંગલઃ કુસ્તીબાજ મુલાયમ સાઇકલિસ્ટ અખિલેશને ચિત કરશે?

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના યાદવ ફેમિલીમાં અત્યારે માત્ર મહાભારત જ નથી ચાલી રહ્યું, પરંતુ કુસ્તીનું દંગલ પણ શરૂ થયું છે. સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને એક સમયના કુસ્તીબાજ મુલાયમસિંહ યાદવ હવે તેમના સાઇકલિસ્ટ પુત્ર અને મુખ્યપ્રધાન અખિલેશ યાદવ પાસેથી પાર્ટી અને સરકારનો કંટ્રોલ પોતાના હાથમાં લેવા માગે છે.

ઉત્તરપ્રદેશની ચૂંટણી આવી રહી છે ત્યારે ટીપુ ઉર્ફે અખિલેશ યાદવે તેના પરિવારને બતાવી દીધું છે કે સરકારમાં બોસ કોણ છે. બીજી બાજુુ અખિલેશને હટાવવા કામ કરતા સપાના લોકોમાં અમરસિંહનું નામ પણ લેવાઇ રહ્યું છે. અમરસિંહને યાદવકુળમાં શરૂ થયેલા મહાભારતમાં શકુની તરીકે ચિતરવામાં આવી રહ્યા છે.

સૂત્રો કહે છે કે મુલાયમસિંહ યાદવ પરિવારના મતભેદો દૂર કરી બધાને એક કરવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ‘આઉટ સાઇડર’ એટલે બે બહારના ગણાતા અમરસિંહને રસ્તો બતાવી દેવાશે. આ મહાભારત અખિલેશ સરકારના બે પ્રધાનો અને એક ચીફ સેક્રેટરીને હટાવ્યા બાદ શરૂ થયું. એવી કેટલીક બાબતો પણ છે જે સમગ્ર પ્રકરણ માટે અમરસિંહને જવાબદાર ઠેરવે છે. આ પરિવર્તનોની સ્ક્રિપ્ટ રવિવારે રાત્રે અમરસિંહની એક પાર્ટીમાં લખાઇ હતી. રાજધાની દિલ્હીની ફાઇવસ્ટાર હોટલ મૌર્ય આઇટીસીમાં એક પોશ પાર્ટી યોજાઇ હતી.

આ પાર્ટીમાં મુલાયમસિંહ ઉપરાંત શિવપાલ, ચીફ સેક્રેટરી દીપક સિંઘલ અને સહારા કિંગ સુબ્રતો રોય સહિતની નામી હસ્તીઓ સામેલ હતી. હોટલ મૌર્યમાં યોજાયેલી પાર્ટીમાં બે મી‌ડિયા થઇકુન ઝીના સુભાષ ચંદ્રા અને રજત શર્મા પણ હાજર રહ્યા હતા. આમંત્રણ તો અખિલેશન પણ અપાયું હતું, પરંતુ તેઓ પાર્ટીમાં ગયા ન હતા. આ પાર્ટીમાં અમરસિંહે મુલાયમને જણાવ્યું હતું કે યુુપીના ખાણ પ્રધાન ગાયત્રી પ્રજાપતિ સીબીઆઇની રડાર પર છે. જો તેઓની ધરપકડ થશે તો આ વાત સપા, સરકાર અને મુલાયમના પરિવાર માટે પરેશાની બની શકે છે.

એ પછીના દિવસે મુલાયમે અમરસિંહ અને દીપક સિંઘલને દિલ્હી સ્થિત પોતાના ઘરે બોલાવ્યા હતા. મુલાયમે અખિલેશને ગાયત્રી પ્રજાપતિ સાથે રાજકિશોરસિંહનું ડિપાર્ટમેન્ટ પણ બદલવાની વાત કહી હતી. જોકે બાદમાં આ બંનેને હટાવી દેવાયા હતા. અમરસિંહનું જ્યારે સમાજવાદી પાર્ટીમાં પુનરાગમન થયું તે વાત અખિલેશને ખટકી હતી. આ ઉપરાંત તેની સાવકા ભાઇની પત્ની અપર્ણા યાદવને સપાનો નવો ચહેરો બનાવ્યો તે વાતથી પણ અખિલેશ નારાજ હતો.

અખિલેશને થયું હતું કે અમરસિંહ તેને પતાવવા માટે જ પાર્ટીમાં પરત ફર્યા છે. અખિલેશ અને તેની પત્ની ડિમ્પલ યાદવ પણ જાહેરમાં અપર્ણાનાં રાજકારણમાં આગમન અંગે જાહેરમાં બોલ્યા હતા. મુલાયમસિંહની બીજી પત્ની સાધના પ્રતીકનો પુત્ર તો બોડી બિલ્ડર છે, પરંતુ તેની પત્ની અપર્ણા રાજકારણમાં આવે તો તેની સીધી હરીફાઇ ડિમ્પલ યાદવ સાથે હતી.

આ વખતે પણ નેતાજીએ અમરસિંહની વાત સાંભળી તે અખિલેશ માટે દુઃખદાયક વાત હતી. તેણે તેના પિતાને કહ્યું હતું કે હું તમારો દીકરો છું તમે નક્કી ન કરો. યુપીનું ઇલેકશન મારે જીતવાનું છે. સિંઘલ, ચંદ્રા કે અમર અંકલે નહીં. આપણી ખરડાયેલી છબી સુધારવા તમારી પાસે સુવર્ણ તક છે. અખિલેશે શિવપાલને એમ પણ કહ્યું કે, ‘તમે મારા કાકા છો, તમે બધું જ લઇ લો, પરંતુ સાપને દૂધ ન પીવડાવો.’ અખિલેશની સાપ વાળી વાતનો સીધો અર્થ અમરસિંહ હતા. અખિલેશે ચોખ્ખો મેસેજ આપી દીધો કે મુલાયમ યુગ સમાપ્ત થયો છે અને હવે તે ઇચ્છે તે રીતે સમાજવાદી પાર્ટી ચલાવશે. આ સ્વતંત્રતા મેળવતાં તેને પાંચ વર્ષ જેટલો સમય થયો.

You might also like