સપા સુલેહ ભણીઃ શિવપાલ સહિત ચારેય પ્રધાનોનું પુનરાગમન થશે

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટી (સપા)ના આંતર વિગ્રહને શાંત કરવા માટે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમસિંહ યાદવે એક નવી ફોર્મ્યુલા રજૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સપાના આંતરિક વિખવાદને ડામવા સંગઠનની જવાબદારી શિવપાલ યાદવ સંભાળશે, પરંતુ ટિકિટ વહેંચવાની સત્તા મુખ્યપ્રધાન અખિલેશ યાદવ પાસે રહેશે. આ ઉપરાંત ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં સપાનો ચહેરો અખિલેશ યાદવ જ રહેશે. આ ઉપરાંત સમાધાન ફોર્મ્યુલા અનુસાર અખિલેશના પ્રધાન મંડળમાંથી બરતરફ કરવામાં આવેલા તમામ પ્રધાનોને ફરીથી લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શિવપાલ સહિત ચાર પ્રધાનોની પોતાના કેબિનેટમાંથી હકાલ પટ્ટી કરી હતી, પરંતુ હવે સમાધાનની ફોર્મ્યુલાના ભાગ રૂપે આ ચારેય પ્રધાનોની અખિલેશ કેબિનેટમાં વાપસી થશે.

દરમિયાન રામગોપાલ યાદવે ફરી એકવાર પોતાના ભાઈ મુલાયમસિંહ યાદવ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે મુલાયમસિંહ યાદવને અખિલેશ યાદવની લોકપ્રિયતાથી ઈર્ષ્યા થઈ રહી છે. દરેક બાપ ઈચ્છતો હોય છે કે પોતાના દિકરાની પ્રગતી થાય, પરંતુ મુલાયમસિંહના કિસ્સામાં આવું નથી. સોમવારે આખો િદવસ રાજકીય ડ્રામા બાદ હવે સપામાં સુલેહ થવાના અણસાર દેખાઈ રહ્યા છે. આખો િદવસ ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામા અને બેઠકોના દોર બાદ સપાના સુપ્રિમો મુલાયમસિંહ યાદવે પોતાનું ફરમાન સંભળાવી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સપા હવે સમાધાન અને સુલેહ તરફ આગળ વધી રહી છે. મુલાયમસિંહ યાદવે આદેશ જારી કરી દીધો છે કે સંગઠનની કમાન શિવપાલના હાથમાં રહેશે, પરંતુ ટિકિટો વહેંચવાની સત્તા અખિલેશ પાસે રહેશે. મુલાયમસિંહે એવું સ્પષ્ટ કર્યું છે કે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં અખિલેશ યાદવ જ પક્ષનો ચહેરો રહેશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોમવારે ધારાસભ્યોની બેઠકમાં અખિલેશ યાદવે જણાવ્યું હતું કે પાર્ટી નેતાજી (મુલાયમસિંહ) અને તેમની છે અને તેટલા માટે ટિકિટોનું વિતરણ તેઓ જ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે અખિલેશ યાદવ નેતાજી મુલાયમસિંહના સ્વાભાવિક ઉત્તરાધિકારી છે, પરંતુ નેતાજીનો ભાતૃપ્રેમ અખિલેશ યાદવ કે તેમના સમર્થકોને પસંદ નથી.

દરમિયાન સમાજવાદી પાર્ટીમાં મચેલા ઘમાસણ પર રાજ્ય સભા સાંસદ અમરસિંહે પ્રથમવાર મૌન તોડ્યું છે. આ ઘટનાક્રમમાં સીએમ અખિલેશ યાદવ અંગે અમરસિંહે જણાવ્યું હતું કે અખિલેશ યાદવ મારા નેતા મુલાયમસિંહના પુત્ર છે તેમને તમામ શુભેચ્છાઓ. જ્યારે મુલાયમસિંહ પરિવારમાં આંતરિક વિખવાદને લઈને અમરસિંહે જણાવ્યું હતું કે મારી ખામોશી એ જ અનેક પ્રશ્નોનો જવાબ છે.

બીજી બાજુ પક્ષમાંથી હકાલપટ્ટી કરાયેલા રામગોપાલે શિવપાલ અને અમરસિંહને ધમકી આપી છે. પોતાના પર થયેલા આક્ષેપોથી છંછેડાયેલા રામગોપાલે શિવપાલ અને અમરસિંહને તેમની વિરુદ્ધ જાહેર મંચથી બોલવા પડકાર ફેંક્યો છે. તેમણે જણાવ્યું છે કે જો આ પ્રકારના હલકા આક્ષેપો જાહેરસભામાં કરશે તો લોકો શિવપાલ અને અમરસિંહને મારશે.

You might also like