સલમાનને નિર્દોષ છૂટ્યો ત્યાં સુધીમાં રપ કરોડ ખર્ચવા પડ્યાઃ સલીમ ખાન

મુંબઇ: હિટ એન્ડ રન કેસનો ૧૩ વર્ષ સુધી સામનો કરનાર સલમાન ખાનને નિર્દોષ છૂટી ગયો ત્યાં સુધી પાણીની જેમ પૈસા વેરવા પડયા છે. સલમાન ખાનના પિતા સલીમ ખાનનું કહેવું છે કે સલમાનને આ કેસમાં રૂ.રપ કરોડથી વધુ ખર્ચવા પડયા છે. જોકે હવે તેમને રાહત અને ખુશી છે કે તેમનો દીકરો આ કેસમાંથી નિર્દોષ છૂટી ગયો છે. ર૮ સપ્ટેમ્બર ર૦૦રના રોજ સલમાન ખાનની કાર મુંબઇના બાંદ્રા વિસ્તારમાં એક બેકરીમાં ઘૂસી ગઇ હતી. આ અકસ્માતમાં એકનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા. સેશન્સ કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની કેદની સજા સંભળાવી હતી. તેની સામે સલમાને બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરતાં હાઇકોર્ટે તેને નિર્દોષ જાહેર  કર્યો છે. સલમાનના પિતા અને બોલિવૂડના સ્ક્રીપ્ટ રાઇટર સલીમ ખાને જણાવ્યું છે કે સલમાન નિર્દોષ છૂટી જવાથી દરેક વ્યકિત ખુશ છે. જે લોકો ભાવનાત્મક રીતે સલમાનની નજીક છે તેઓ બધા જ ખુશ છે.

તેમણે જણાવ્યું હતું કે લોકો એ ભૂલી જશે કે આ કેસમાં સલમાનને કેટલી પીડામાંથી પસાર થવું પડયું હતું. લોકો તો માત્ર એવું કહેશે કે સલમાન સરળતાથી બચી ગયો, પરંતુ સલમાને આ કેસમાં રૂ.રપ કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. સુપરસ્ટાર શાહરુખ ખાને પણ સલમાનના નિર્દોષ છૂટી જવા પર આનંદ વ્યકત કર્યો હતો. શાહરુખે જણાવ્યું હતું કે સલમાન મારો મિત્ર છે, મારો સાથી છે, અમે એકબીજાને વર્ષોથી ઓળખીએ છીએ.

You might also like