ઇસ્લામાબાદમાં ખુરશીદે ભાજપની ટીકા કરી

નવી દિલ્હી: કોંગ્રેસના સિનિયર લીડર અને ભારતના પૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુરશીદ ઇસ્લામાબાદમાં પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહ્યા. ખુરશીદે ભારત-પાકના સંબંધો પર ભાજપના વલણને ખોટું ગણાવ્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાનના અમનના પયગામનો ભારતમાં ભાજપના નેતૃત્વવાળી સરકારે યોગ્ય જવાબ આપ્યો નથી. તેમણે આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે પાકિસ્તાન આર્મીના વખાણ કર્યા છે. ખુરશીદ ગુરુવારે સાંજે ઇસ્લામાબાદની જિન્ના ઇન્સ્ટીટ્યુટમાં સ્પીચ આપી રહ્યા હતા.

જિન્ના ઇન્સ્ટીટ્યુટ દર વર્ષે અલગ અલગ ટોપિક પર સેમિનારનું આયોજન કરે છે. આ વખતે સ્પીકર તરીકે સલમાન ખુરશીદને આમંત્રણ અપાયું હતું. ખુરશીદની સ્પીચ વખતે ત્યાં કેટલાય દેશોના એમ્બેસેડર હાજર હતા. પાકિસ્તાનની ન્યૂઝ સાઇટ ધ ડોને લખ્યું છે કે અમન માટે પાકિસ્તાનની કોશિશોને નજરઅંદાજ કરવા માટે ભારતના જ એક પૂર્વ પ્રધાને બીજેપીની ટીકા કરી છે.
ખુરશીદે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફના એ દૂરંદેશી વિચારો જ હતા કે મે ૨૦૧૪માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારંભમાં તેઓ ભારત આવ્યા. મોદીએ તે સમજવું જોઇતું હતું. ખુરશીદે કહ્યું કે કોંગ્રેસ જ્યારે સરકારમાં હતી ત્યારે ભાજપ એ વાતનું દબાણ કરતો હતો કે પાકિસ્તાન સાથે સંબંધો સામાન્ય રહે. ભાજપે હવે પાકિસ્તાનને લઇને સખત વલણ અપનાવ્યું છે.

સાઉથ એશિયામાં શાંતિની પાકિસ્તાનની કોશિશોનો ભાજપે એવો જવાબ ન આપ્યો જેવો આપવો જોઇતો હતો. પીએમ મોદી હજુ પણ સ્ટેટ્સમેન બનવાના ગુરુર શીખી જ રહ્યા છે.

You might also like