રિલીઝ પહેલાં સલમાન ખાનની ‘રેસ-૩’એ તોડ્યા બોલિવૂડના રેકોર્ડ

મુંબઇ: બોલિવૂૂડના દબંગ સલમાન ખાનની ફિલ્મ ‘રેસ-૩’ રિલીઝ થવા જઇ રહી છે. રિલીઝ પહેલાં જ આ ફિલ્મ સમાચારોમાં છવાઇ ગઇ છે. મીડિયામાં આવી રહેલા રિપોર્ટની વાત માનીએ તો ‘રેસ-૩’એ રિલીઝ પહેલાં જ એક મોટો રેકોર્ડ બનાવી લીધો છે. સલમાનની ફિલ્મ બોલિવૂડની એવી પહેલી ફિલ્મ બનશે, જેના સેટેલાઇટ રાઇટ્સ સૌથી વધુ કિંમત પર વેચાયા છે.

મીડિયા રિપોર્ટ મુજબ ‘રેસ-૩’ના સેટેલાઇટ રાઇટ્સ લગભગ રૂ.૧૩૦ કરોડમાં વેચાયા છે, જે બોલિવૂડ ફિલ્મોમાં અત્યાર સુધીની સૌથી વધુુ કિંમત છે. આ રાઇટ્સ માટે સલમાને એક મોટા નેટવર્ક સાથે હાથ મિલાવ્યો છે. આ સાથે જ ફિલ્મનો તમામ ખર્ચ નીકળી ગયો છે. ‘રેસ-૩’ના નિર્માણમાં લગભગ રૂ.૧૩૦ કરોડનો ખર્ચ કરાયો હતો. આ રીતે ‘રેસ-૩’એ રિલીઝ પહેલાં જ પોતાનો ખર્ચ કાઢી લીધો છે.

‘રેસ-૩’ને લઇ સલમાન અને તેના ફેન્સમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળે છે. આ ફિલ્મ ઇદના અવસરે ૧પ જૂનના રોજ રિલીઝ થશે.  એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં સલમાન ઉપરાંત અનિલ કપૂર, જેકલીન ફર્નાન્ડીસ, ડેઝી શાહ અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે.

‘રેસ’ ફ્રેન્ચાઇઝીની આ ફિલ્મનું નિર્દેશન રેમો ડિસોઝાએ કર્યું છે. ઉલ્લેખનીય છે સલમાન ખાન બોલિવૂડનો ટોપ સ્ટાર છે. તેની ફેન ક્લબ પણ વિશાળ છે. તેની લગભગ દરેક ફિલ્મો ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થતી હોય છે. ‘રેસ-૩’ ફિલ્મ પણ આ ક્લબનો હિસ્સો બનશે તેમાં શંકા નથી.

You might also like