વડોદરા: બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના જીજા આયુષ શર્માની પહેલી ફિલ્મ ‘લવરાત્રી’ ખૂબ જ જલદી રિલીઝ થવાની છે. ફિલ્મ રિલીઝ પહેલાં ‘લવરાત્રી’ના બંને લીડ એક્ટર આયુષ અને વરીના હુસેન વડોદરા શહેરમાં પહેલી વાર પ્રમોશન માટે પહોંચ્યાં, પરંતુ આ પ્રમોશન તેમના પર ત્યારે ભારે પડ્યું જ્યારે સોમવારે રાત્રે પોલીસ તેમની હોટલ સુધી પહોંચી ગઇ.
આયુષ શર્મા અને કો-સ્ટાર વરીના હુસેન ફિલ્મના પ્રમોશન માટે વડોદરા આવ્યાં હતાં અને હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટી ચલાવી રહ્યાં હતાં. આયુષ અને વરીનાએ લગભગ પાંચ વાગ્યે હરણી એરપોર્ટથી લઇને સુરસાગર લેકની વચ્ચે હેલ્મેટ વગર સ્કૂટી ચલાવ્યું. આ દરમિયાન તેમની સાથે રસ્તા પર હજારો ફેન્સ પણ હતા.
આ બંને સ્ટારે તેમના ચાહકો સાથે વાતો પણ કરી. હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટી ચલાવીને આ બંનેએ ટ્રાફિકનો નિયમ તોડ્યો અને આ બંનેેની હેલ્મેટ વગરની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગઇ.
આયુષ અને વરીનાની તસવીર વાઇરલ થતાં જ પોલીસ પણ એક્શનમાં આવી અને સોમવારે રાત્રે એ હોટલમાં પહોંચી ગઇ, જ્યાં આયુષ શર્મા અને વરીના રોકાયાં હતાં. ત્યારબાદ પોલીસે તેમનું ચલણ ફાડ્યું અને બંને સ્ટારને ૧૦૦-૧૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો.
આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અમિતા વનાનીએ જણાવ્યું કે અમે પોલીસ અધિકારીઓને બંને એક્ટરની હોટલમાં મોકલીને તેમનું ચલણ ફાડવાનું કહ્યું. એ લોકો સેલિબ્રિટી છે.
તેેથી તેમણે જવાબદારીપૂર્વક કામ કરતાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઇએ. પોતાના જીજા આયુષ શર્માને ફિલ્મોમાં લોન્ચ કરવા માટે સલમાને ફિલ્મ ‘લવરાત્રી’નું પ્રોડક્શન કર્યું છે. ફિલ્મનું નિર્દેશન અભિરાજ મીનાવાલાએ કર્યું છે. ફિલ્મ પ ઓક્ટોબરે દેશભરમાં રિલીઝ થશે.