સલમાન ખાનનો રેકોર્ડ તોડવો મુશ્કેલ

સલમાન ખાને ઘણી બધી મસાલા ફિલ્મો કરીને કમાણીના ઘણા રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ ફિલ્મ ક્રિટિક્સે રિવ્યૂમાં તેની ક્યારેય પ્રશંસા કરી નથી. તાજેતરમાં સલમાનની ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ને ક્રિટિક્સની સાથે-સાથે દર્શકોએ પણ ફગાવી દીધી. સલમાને ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કવેર પર ‘ટ્યૂબલાઇટ’ના મોટાં મોટાં બિલબોર્ડ લગાવ્યાં હતાં. તમામ દેશોમાં તેને ૧૨૦૦ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હોવા છતાં પણ તેણે વિદેશમાં માત્ર ૨૨ કરોડની કમાણી કરી. ભારતમાં ૪૪૦૦ સ્ક્રીન પર રિલીઝ થઇને પણ ફિલ્મ નિષ્ફળ રહી. ‘સુલતાન’ જેવી હિટ ફિલ્મ સાથે મશહૂર થઇ ચૂકેલા અલી અબ્બાસ જફર ‘ટાઇગર જિંદા હૈ’માં પહેલી વાર આંતરરાષ્ટ્રીય સ્તરની એક્શન ફિલ્માવી રહ્યા છે, તેમાં સલમાન એક વાર ફરી અલગ પ્રકારની બોડીમાં જોવા મળશે.

એવું કહેવાય છે કે જફર સલમાન અભિનીત અન્ય એક ફિલ્મ ‘ભારત’નું નિર્દેશન પણ કરશે. ૨૦૧૪માં આવેલી ‘કિક’ની સિક્વલમાં સલમાનનો ડબલ રોલ હશે. આ વખતે તે હીરો અને વિલન બંને ખુદ હશે. શાહરુખે સલમાનની ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’માં કીમિયો કર્યો હતો. આ પહેલો અવસર હતો, જ્યારે ૧૦ વર્ષ બાદ શાહરુખ અને સલમાન કોઇ ફિલ્મમાં એકસાથે જોવા મળ્યા હતા. ૧૦ વર્ષ પહેલાં શાહરુખના હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં સલમાન શાહરુખ સાથે એક ગીતમાં દેખાયો હતો. હવે સલમાન હિસાબ ચૂકવવા માટે આનંદ એલ. રાય નિર્દેશિત શાહરુખની ફિલ્મમાં કીમિયો કરશે. સલમાન અને શાહરુખ વચ્ચેની મિત્રતા ભલે ફરી ન પાંગરી શકી હોય, પરંતુ બંને વચ્ચેની કડવાશમાં સતત ઘટાડો થયો છે. આજકાલ બંને એકબીજાની ફિલ્મોનું પ્રમોશન પણ કરવા લાગ્યા છે. સલમાન ૧૦૦ કરોડ ક્લબવાળી સતત ૧૦ ફિલ્મો આપનારો પ્રથમ અભિનેતા છે, તેનો રેકોર્ડ તોડવો ખરેખર મુશ્કેલ છે. •

You might also like