મુંબઇ: ઇદ પર રિલીઝ થવા જઇ રહેલી સલમાનખાનની ફિલ્મ ‘રેસ-૩’ની રાહ જોઇ રહેલા તેના ફેન્સને તેમની જ સરકારે એક ઝટકો આપ્યો છે. પાક.ના સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક મોટું પગલું ભરતાં ઇદના અવસરે ભારતીય ફિલ્મ રિલીઝ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરાત મુજબ ઇદના બે દિવસ પહેલાંથી આ પ્રતિબંધ લાગુ પડશે. બકરી ઇદ સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે. પાક. સરકારના આ ફેંસલાને લઇને એવો તર્ક અપાયો છે કે ઇદ પાકિસ્તાની ફિલ્મોના બિઝનેસ માટે એક મોટો અવસર હોય છે. જો ઇદના મોકે ભારતની અને ખાસ કરીને બોલિવૂડની ફિલ્મ રિલીઝ થઇ જશે તો પાકિસ્તાની ફિલ્મોનો બિઝનેસ ઠપ થઇ જશે.
સલમાનખાનને લઇને અહીંની પબ્લિક ક્રેઝી છે. જો ‘રેસ-૩’ પાકિસ્તાનનાં થિયેટરોમાં રિલીઝ થઇ જાય તો ત્યાંની ફિલ્મોનાં થિયેટરો સૂમસામ થઇ જશે. પાક. સેન્સર બોર્ડને પણ સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક પત્ર લખીને ચેતવણી આપી છે કે ઇદ દરમિયાન કોઇ પણ ભારતીય ફિલ્મ પાકિસ્તાનનાં સિનેમાઘરોમાં રિલીઝ ન થવી જોઇએ.
ઇદના અવસરે પાકિસ્તાનમાં રિલીઝ થનારી ફિલ્મ ‘વજૂદ’ ઉપરાંત ‘સાત દિન મહોબ્બત’ અને ‘આઝાદી’ રિલીઝ થવાની છે. ‘રેસ-૩’ને પાકિસ્તાનમાં રિલીઝ કરવાના અધિકાર રૂ.૧૦ કરોડમાં વેેચાયા છે. આ ફિલ્મ પર દાવ લગાવનાર પાક.ના વિતરકોને આ સરકારી ફેંસલાથી મોટું નુકસાન થશે.
‘રેસ-૩’ રિલીઝ ન થવાનો સીધો ફાયદો માહિરખાનની ફિલ્મ ‘વજૂદ’ને મળશે, જોકે પાકિસ્તાનના ફિલ્મી બિઝનેસ સાથે જોડાયેલા લોકો ભારતીય ફિલ્મોને રિલીઝ થવા દેવાના પક્ષમાં છે, કારણ કે તેનાથી કમાણી પાકિસ્તાનનાં થિયેટરોમાં થાય છે અને સરકારને ટેક્સ પણ મળે છે.