“લવરાત્રિ” ફિલ્મનું નામ બદલી “લવયાત્રિ” કરાતા શિવસેનાનાં કાર્યકરોની ઉજવણી

વડોદરાઃ સલમાન ખાનની લવરાત્રિ ફિલ્મનાં નામને લઈને છેલ્લાં ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે હવે આ ફિલ્મનું નામ બદલીને ‘લવયાત્રિ’ રાખવામાં આવ્યું છે. ત્યારે હવે વડોદરામાં શિવસેનાનાં કાર્યકરો દ્વારા વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, વડોદરામાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. જેની જાણ થતાં ધર્મગુરૂઓ અને શિવસેનાનાં કાર્યકરોએ આનો વિરોધ કર્યો હતો. સમગ્ર દેશભરમાં વિરોધ થતાં અને હાઈકોર્ટમાં પિટીશન દાખલ થયાં બાદ સલમાન ખાન દ્વારા આ ફિલ્મનું નામ બદલવામાં આવ્યું છે.

મહત્વનું છે કે ‘લવરાત્રી’ ફિલ્મ બાબતે થયેલી જાહેરહિતની અરજી બાબતે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી પણ થઈ હતી. ત્યારે આ સુનાવણી દરમ્યાન ફિલ્મનાં પ્રોડ્યુસર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ફિલ્મનું નામ ‘લવરાત્રી’માંથી બદલીને ‘લવયાત્રી’ કરી દેવામાં આવ્યું છે. તેમજ આ ફિલ્મને સેન્સર બોર્ડે હજુ કોઇ સર્ટિફિકેટ આપ્યું નથી. જેથી કોર્ટે કોઇ હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં.

જો કે બીજી બાજુ હાઈકોર્ટમાં અરજદાર તરફથી એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે ફક્ત નામ બદલી દેવાંથી કંઇ ફિલ્મમાં બતાવવામાં આવેલા સીન બદલાઈ જતાં નથી. જો કે આ મામલે ગુજરાત હાઇકોર્ટે ફિલ્મનાં પ્રોડ્યુસરને એક દિવસમાં જ જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે એમ કહ્યું કે, ફિલ્મમાં જો લાગણી દુભાતા દ્રશ્યો હશે તો તેનાં પર સ્ટે મૂકી દેવામાં આવશે.

ત્યારે મહત્વની બાબત છે કે ‘લવરાત્રી’ ફિલ્મનું નામ જ્યારે ‘લવયાત્રી’ કરી દેવામાં આવવાથી વડોદરા ખાતે શિવસેનાએ ઉવજણી કરી હતી. તેમજ જરૂરી છે કે ‘લવરાત્રી’ ફિલ્મને ગુજરાતમાં રજૂ થવા ન દેવાની વિવિધ સંગઠનોએ ચીમકી પણ ઉચ્ચારી હતી.

You might also like