સલમાનને VIP ટ્રીટમેન્ટ મળતી જોઈ આસારામની અકળામણ વધી

જોધપુર: જોધપુરની જેલની જે બેરેકમાં સલમાન ખાનને રાખવામાં આવ્યો છે ત્યાં જેલના અધિકારીઓ, સંત્રીઓ અને સુરક્ષાકર્મીઓ સલમાનને મળવા પડાપડી કરી રહ્યા છે અને ખાસ કરીને સલમાન ખાનનો ઓટોગ્રાફ લેવા જેલના સ્ટાફની લાઇન લાગી હતી.

બાજુની બેરેકમાં જ કેદ આસારામથી આ બધું સહન ન થતાં તેણે જેલકર્મીઓ પર ગુસ્સે થઇને કહ્યું હતું કે મને મળવા તો તમે લોકો ક્યારેય આવતા નથી અને સેલિબ્રિટી આવે તો મળવા લાઇન લગાવો છો. આમ, ઓટોગ્રાફ માટે જેલના સ્ટાફની લાઇન લાગતાં આસારામે મિજાજ ગુમાવ્યો હતો અને જેલ સ્ટાફ પર રોષ ઠાલવતાં તેણે જણાવ્યું હતું કે તમે મારા ખબરઅંતર પૂછવા તો ક્યારેય આવતા નથી.

દરમિયાન જોધપુર સેન્ટ્રલ જેલમાં સલમાન ખાનની બીજી રાત પણ ભારે બેચેની સાથે વીતી હતી. તે મોટા ભાગે ચુપચાપ સૂતો રહ્યો હતો. રાત્રે સલમાને જેલના ગાર્ડ સાથે વાત કરી હતી અને ફિલ્મી કિસ્સાઓ સંભળાવ્યા હતા. તેણે મજાક-મજાકમાં એવું પણ કહ્યું કે સૈફ અને બીજા સ્ટાર મને ફસાવીને ચાલ્યા ગયા છે.

સાંજે જાગ્યા બાદ સલમાને બે કલાક કસરત કરી હતી અને ત્યાર બાદ ચા પીધી હતી. બપોરે તેની બહેનો અલવીરા અને અર્પિતા ભોજન લઇને આવી હતી, પરંતુ જેલ પ્રશાસને એવો દાવો કર્યો હતો કે સલમાને જેલનું ભોજન જ ખાધું હતું. લગ્ન અંગે પૂછતાં સલમાને મજાકમાં એવો જવાબ આપ્યો હતો કે પહેલાં બાળક પછી લગ્ન. સલમાન ખાનને બેરેકમાં મચ્છરો હેરાન કરી રહ્યાં છે.

You might also like