અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં છ દિવસમાં રૂ.35.64 કરોડનું વેચાણ

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: દુબઇમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની જેમ અમદાવાદમાં હાલમાં બાર દિવસનો શોપિંગ ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે. જોકે શહેરનાં શોપિંગ ફેસ્ટિવલમાં ‘સમથિંગ ફોર એવરીવન’નું સૂત્ર અપનાવાયું હોઇ સામાન્ય લોકો પણ તેમાં ઉત્સાહભેર જોડાઇ રહ્યા હોઇ અત્યાર સુધીમાં રૂ.૩પ.૬૪ કરોડની વસ્તુઓ વેચાઇ હોવાનો આયોજકોએ દાવો કર્યો છે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના પ્રમુખ જયેન્દ્ર તન્ના શોપિંગ ફેસ્ટિવલને અમદાવાદીઓએ ઉમળકાભેર આવકાર્યો હોવાનું જણાવતા વધુમાં કહે છે, અત્યાર સુધીમાં ૧.ર૩ લાખ લોકોએ યુનિટ ખરીદી કરી છે. જેમાં લોકોએ કાપડ, ગાર્મેન્ટ, જ્વેલરી અને મોબાઇલ, ઇલેક્ટ્રોનિકસમાં વધુ રસ દાખવ્યો છે. કાપડ-ગાર્મેન્ટમાં ૩૩ ટકા, જ્વેલરીમાં ર૩ ટકા, મોબાઇલ-ઇલેક્ટ્રોનિકસમાં ૧૬ ટકા અને હોટલ-રેસ્ટોરાંમાં ૪ ટકા ફાળો નોંધાયો છે.

ગ્રાહકોને દૈનિક ૯૬૦ ઇનામ અને ર૧ બમ્પર ઇનામ મળીને અત્યાર સુધીમાં પ૮૦૦ થી વધુ ઇનામ અપાયાં છે. શોપિંગ ફેસ્ટિવલ હેઠળ ગ્રાહકોને રૂ.૩૦ થી ૩પ લાખના ઇનામ અપાયાં હોઇ આગામી તા.ર૮ જાન્યુઆરીના છેલ્લા દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ગ્રાહકો માટે રૂ.૭થી ૮ કરોડનાં ઇનામ ધરાવતાં પ૧ બમ્બર ડ્રો અને વેપારીઓ માટે રૂ.એક કરોડના ઇનામનો લકી ડ્રો કરાશે તેમ જણાવતાં જયેન્દ્ર તન્ના વધુમાં કહે છે, બપોરના બારથી રાતના બાર સુધી ફે‌િ‌સ્ટવલ ચાલશે તેમાં સમય કે મુદતમાં વધારો કરવાની વેપારી દ્વારા કોઇ માગણી કરાઇ નથી.

You might also like