આજથી સેલરી વીકઃ પગાર ઉપાડવાનું ટેન્શન પણ શરૂ

અમદાવાદ: રૂ.૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ થયા બાદ રોકડની ઊભી થયેલી તંગીની સાથે આજથી સેલેરી વીક શરૂ થતાં કર્મચારી પણ હવે રોકડની સમસ્યામાં ફસાયા છે. ખાતામાં પગાર જમા થઈ ગયો હોવા છતાં બેન્કની લાઈનનાં ચક્કરથી કર્મચારીઓ પણ હતાશા ભોગવી રહ્યા છે. સરકારી અને ખાનગી કંપનીઓ દ્વારા બેન્કમાં જ પગાર જમા થતો હોવાથી આજે કેશ ઉપાડવા કર્મચારી અને પેન્શનરની લાંબી લાઈન બેન્ક બહાર શરૂ થઈ ચૂકી છે.

રાજ્યના ૩૫ લાખ સરકારી, અર્ધસરકારી અને ખાનગી કર્મચારી તેમનાં ખાતાંમાં જમા થયેલા રૂપિયા એક સાથે ઉપાડી શકશે નહીં. એટલું જ નહીં પૈસા ઉપાડવા માટે પણ તેમને આજે બેન્કની લાઈનમાં ૧૦ હજાર જેટલી રકમ મેળવવા માટે ઊભા રહેવું પડી રહ્યું છે.
કેન્દ્રના રેલવે તંત્રએ નોટોની અછતના કારણે કર્મચારીને ૧૦ હજારની રકમ રોકડમાં ચૂકવી છે. પરંતુ રાજ્ય સરકારના કર્મચારીને તો તેમનો પગાર બેન્કમાંથી ઉપાડવો પડશે. બેન્કને પૂરતા પ્રમાણમાં કેશ મળતી નથી. ૨૪ હજારની મર્યાદામાં પેમેન્ટ પણ મળતું નથી. લોકોને જીવનજરૂરી ખર્ચ માટે રોકડની જરૂર છે ત્યારે બેન્ક તો ઠીક મોટાં ભાગનાં એટીએમમાં પણ કેશ ખૂટી જવાથી બંધનાં પાટિયાં લટકે છે. કેટલીક બેન્કમાં રોકડના ઉપાડ માટે ટોકન વ્યવસ્થા શરૂ કરાઈ છે પરંતુ ટોકન મળ્યા પછી પૈસા મળશે કે કેમ તેની ખાતરી ખુદ બેન્ક આપી શકતી નથી.

નોટબંધીનો સૌથી વધુ સામનો આજે પેન્શનર કરી રહ્યા છે. ઉંમર અને તબિયતને કારણે ઘણા બધા લાઈનમાં ઊભા રહી શકાય તેવી પરિસ્થિતિ નથી તેથી તેઓ ઘરના કે કુટુંબના સભ્યોને પૈસા ઉપાડી આપવા વિનંતી કરી રહ્યા છે. નવા ખાતેદાર કર્મચારીઓને ચેકબુક, ક્રેડિટ, ડેબિટ કાર્ડ પિન નંબર વગેરે મેળવવા અઠવાડિયું લાગશે. પરિણામે તેઓ ૧૦ દિવસ પછી જ પગાર ઉપાડી શકશે. તેમની પાસે સ્લિપથી નાણાં ઉપાડવા સિવાય આ સપ્તાહમાં કોઈ વિકલ્પ રહ્યો નથી.

રાજ્ય સરકારનાં સૂત્રોનાં કહેવા મુજબ તેમણે રિઝર્વ બેન્ક સાથે બેન્કને પૂરતી કેશ આપવા માટે સૂચન કર્યું છે પરંતુ સવારથી બેન્કની લાઈન યથાવત છે. રિઝર્વ બેન્કે સેલેરી વીકમાં સહકારી બેન્કની બ્રાન્ચને ૧૫ લાખ આપવાનું નક્કી કર્યું છે. પરંતુ આ કેશ કેટલી આપે છે તે બેન્ક પણ કહી શકે તેવી સ્થિતિમાં નથી.

રાજ્ય સરકારે રિઝર્વ બેન્ક પાસે પગાર પેન્શન અને રોજિંદા ખર્ચ માટે રૂ.૧૦૦૦થી ૧૫૦૦૦ કરોડ ફાળવવાની માગ કરી છે પરંતુ આરબીઆઈ આટલી મોટી રકમ ફાળવી શકે તેમ નથી. તેથી લોકોની બેન્ક બહાર લાઈન યથાવત્ રહેશે. કર્મચારીઓને પગાર કે પેન્શન મળ્યાનો કોઈ જ હરખ નથી.
http://sambhaavnews.com/

You might also like