પગાર વધારા માટે હડતાળ પર ઊતરેલી ગર્ભવતી મહિલાને ધક્કો મારતાં મોટો હોબાળો

અમદાવાદ: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ મિલમાં પગાર વધારાના મામલે હડતાળ પર બેઠેલા 200 કરતાં વધુ કર્મચારીઓને મિલના અન્ય કર્મચારીઓ દ્વારા બીભત્સ ગાળો બોલીને ધક્કામુક્કી કરતાં સમગ્ર મામલો અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

આજે વહેલી સવારે બનેલી આ ઘટનામાં હડતાળ પર બેઠેલી એક ગર્ભવતી મહિલાને ધક્કો વાગતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 200 કરતાં વધુ કર્મચારીઓ મિલમાં કામ કરતા બે કર્મચારીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવવા માટે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ખોખરા વિસ્તારમાં આવેલી ગ્લોબલ ટેક્સટાઇલના 200 કરતાં વધુ કર્મચારીઓ પગાર વધારા તેમજ બોનસના મામલે એક અઠવા‌િડયાથી હડતાળ પર બેઠા છે. આજે વહેલી સવારે કર્મચારીઓ હડતાળ પર હતા તે સમયે ટેક્સટાઇલ મિલમાં કામ કરતા રાકેશ, રાજેશ્રી તથા અન્ય કર્મચારીઓ મિલના ગેટ પર આવીને બીભત્સ ગાળો બોલીને ધક્કામુક્કી કરવા લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં હડતાળ પર ઊતરેલી ગર્ભવતી મહિલા ભાવનાબહેન દિલીપભાઇ પરમારને રાકેશે ધક્કો મારતાં તે પડી ગઇ હતી. ભાવનાબહેનને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

ઉશ્કેરાયેલા કર્મચારીઓ હડતાળને છોડીને અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે દોડી આવ્યા હતા. વહેલી સવારથી ભારે સૂત્રોચાર સાથે કર્મચારીઓ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં રાકેશ, રાજેશ્રી સહિત અન્ય કર્મચારીઓ વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટેની માગ કરી હતી.
http://sambhaavnews.com/

You might also like