પગાર જમા થયા બાદ થનારા ધસારાને પહોંચી વળવા RBIની ક્રેક ટીમ તૈયાર

નવી દિલ્હી: નોટબંધીના નિર્ણયને ૧પ દિવસ કરતાં વધુ સમય વીતી જવા છતાં હજુ બેન્ક અને એટીએમની બહાર રકમ જમા કરાવવા અને ઉપાડ કરવા માટેની લાંબી લાઇન ઓછી થતી નથી. દરમિયાન ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોકોને પગાર મળવાના છે અને મોટા ભાગના લોકોના પગાર બેન્કમાં જમા થતા હોવાથી ૧ ડિસેમ્બરથી પગાર ઉપાડવા માટે કર્મચારીઓની બેન્ક અને એટીએમ પર વધુુ લાંબી લાઇન લાગશે. આ હકીકતને ધ્યાનમાં રાખીને પગારની તારીખોમાં કર્મચારીને કેશ મેળવવામાં તકલીફ ન પડે તે માટે આરબીઆઇએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે.

આરબીઆઇએ પેન્શનર અને લશ્કરના જવાનોને કેશની મુશ્કેલી ન પડે તે જોવા પર્યાપ્ત પ્રમાણમાં કેશની વ્યવસ્થા કરી ઉપલબ્ધ કરાવવા તમામ જાહેર ક્ષેત્રની બેન્ક, રાજ્ય સહકારી બેન્ક, જિલ્લા સહકારી બેન્કના ચેરમેન, એમડી અને સીઇઓને એક નોટિફિકેશન જારી કરીને આદેશ કર્યો છે.

આ સમસ્યા સામે કામ લેવા રિઝર્વ બેન્કે અગાઉથી જ તૈયારી કરીને ડેપ્યુટી ગવર્નર એસ. એસ. મુંદ્રાના વડપણ હેઠળ એક ક્રેક ટીમની રચના કરી દીધી છે અને આ ટીમ કર્મચારીઓના પગાર બેન્કમાં જમા થયા બાદ તેમને સરળતાથી કેશ મળી રહે તે માટે એટીએમ અને બેન્કમાં થનારી લાંબી લાઇનની સમસ્યા સામે કામ લેવાના પ્લાન પર સઘન તૈયારીઓ કરી રહી છે.

મુંદ્રાના નેતૃત્વમાં ક્રેક ટીમે એક બેઠક યોજી હતી અને પગાર જમા થયા બાદ કેશ મેળવવા માટે થનારા ધસારાને પહોંચી વળવાના પ્લાન પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત પેન્શનર પણ મોટી સંખ્યામાં નવા મહિનાના આરંભે બેન્ક શાખા અને પોસ્ટ ઓફિસ પર કેશ ઉપાડવા ધસારો કરશે.

મુંદ્રાના વડપણ હેઠળ રચવામાં આવેલ આરબીઆઇનું એટીએમ ટાસ્ક ફોર્સ ર૭ નવેમ્બરથી લઇને ૭ ડિસેમ્બર સુધી સેલરી સાઇકલ પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્યતઃ કોઇ પણ મહિનાની ર૯ તારીખથી નવા મહિનાની પાંચ તારીખ સુધી એટીએમ પર કેશ ટ્રાન્ઝેકશન સામાન્ય દિવસો કરતાં બમણું થઇ જતું હોય છે. તેને પહોંચી વળવા આરબીઆઇનું આ ટાસ્કફોર્સ કેશની વ્યવસ્થા કરવા માટે પ્રયાસ કરશે. આ ઉપરાંત ટાસ્ક ફોર્સ શહેર અને ટાઉનમાં એવા એટીએમની પસંદગી કરવાનું કામ કરશે જ્યાં સેલરી મળ્યા બાદ અચાનક કેશ ટ્રાન્ઝેકશન વધી જાય છે.

You might also like