સાલ હોસ્પિટલને નોટિસનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં એક માસ લાગ્યો!

અમદાવાદ:ડ્રાઇવ ઇન રોડ પર આવેલી સાલ હોસ્પિટલમાં ગત તા.૧૮, મે, ર૦૧૬ની સાંજે ભીષણ આગ લાગતાં સોથી વધુ દર્દીઓ તેમજ તેમનાં સગાં-સંબંધીઓ ફસાયા હતા. સમગ્ર શહેરમાં આ દુર્ઘટનાથી ભારે ચકચાર મચી ગઇ હતી. જોકે આ મામલે સાલ હોસ્પિટલની સેફટીનાં સાધનો તેમજ યોગ્ય વેન્ટિલેશનના અભાવ જેવી બેદરકારી છતી થવા છતાં કોર્પોરેશન દ્વારા હજુ સુધી હોસ્પિટલને નોટિસ ફટકારાઇ નથી, બલ્કે નોટિસ તૈયાર કરવાનો ડ્રાફટ તૈયાર થઇ રહ્યો છે.
સાલ હોસ્પિટલના ત્રીજા માળે આવેલો બાયોમેડિકલ વેસ્ટના સ્ટોર રૂમમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. થોડીક પળોમાં આગે વિકરાળ રૂપ ધારણ કરતાં ફાયર બ્રિગેડની એક પછી એક એમ કુલ ર૭ ગાડીઓએ ઘટનાસ્થળે દોડી આવી હતી.

ફાયર બ્રિગેડ દ્વારા અઢી કલાકની ભારે જહેમત બાદ આ ભીષણ આગ પર કાબુ મેળવાયો હતો. આગની જ્વાળાની લપેટમાં પાંચમો માળ પણ આવતા દર્દીઓમાં ભારે નાસભાગ મચી જતાં આશરે સો દર્દીઓ અને તેમનાં સગાં-વહાલાંઓ મુશ્કેલીમાં મુકાયાં હતાં. જોકે ફાયર બ્રિગેડે સ્નોરકેલની મદદથી અને અન્ય રીતે આગમાં ફસાયેલા આ તમામ લોકોને સહીસલામત બહાર કાઢ્યા હતા.

સાલ હોસ્પિટલમાં વેન્ટિલેશનનો અભાવ હોઇ ગૂંગળામણ વધતાં એક તબક્કે મોટી જાનહાનિ સર્જાવાની ભીતિ ઊભી થઇ હતી. દરમ્યાન કોર્પોરેશન દ્વારા સાલ હોસ્પિટલની આગની દુર્ઘટનાને ગંભીરતાથી લઇ શહેરભરની તમામ હોસ્પિટલમાં વેન્ટિલેશનની તપાસ હાથ ધરવાની દિશામાં પગલાં લેવાની જાહેરાત કરાઇ હતી. જોકે આ જાહેરાત તો હજુ કાગળ પર રહેવા પામી છે પરંતુ સાલ હોસ્પિટલને પણ નોટિસના મામલે હજુ કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી.  સૂત્રો કહે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાલ હોસ્પિટલને નોટિસ આપવાનો હજુ ડ્રાફટ તૈયાર થઇ રહ્યો છે.
http://sambhaavnews.com

You might also like