મહિલા પહેલવાન સાક્ષીના કોચ કુલદીપને હજુ ફૂટી કોડી પણ મળી નથી

નવી દિલ્હીઃ રિયો ઓલિમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવનારી મહિલા પહેલવાન સાક્ષી મલિકને તેની સફળતા માટે ઠેર ઠેર સન્માનિત કરવામાં આવી રહી છે, પરંતુ તેના કોચ કુલદીપ મલિકને તો અત્યાર સુધી જાહેર કરાયેલી ઇનામી રકમ અને પ્રમોશન પણ મળ્યું નથી. હરિયાણા સરકાર તરફથી યોજાયેલા સાક્ષીના સન્માન સમારંભમાં કુલદીપને રૂપિયા ૧૦ લાખના ચેકની ફોટોકોપી આપી હતી, પરંતુ તેને હજુ સુધી ફૂટી કોડી પણ મળી નથી. એ સમારંભ યોજાયાને લગભગ એક મહિનો થઈ ગયો છે.

૨૯ ઓગસ્ટે જ્યારે સાક્ષીને ખેલરત્નથી સન્માનિત કરવામાં આવી હતી એ સમયે રેલવેપ્રધાન સુરેશ પ્રભુએ કુલદીપ મલિકને પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી આ આદેશનો અમલ કરાયો નથી. કુલદીપ ઉત્તર રેલવેમાં મુખ્ય ટિકિટ ઇન્સ્પેક્ટ છે. કુલદીપે કહ્યું, ”હું એક મહિનાથી હરિયાણા સરકાર અને રેલવે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યો છું, પરંતુ તેમાં કોઈ સફળતા મળી નથી.” ૨૦૧૧થી સાક્ષીને કોચિંગ આપી રહેલા કુલદીપ મલિકે કહ્યું, ”સાક્ષીને રોકડ પુરસ્કાર અને બીએમડબલ્યુ મળી રહી છે, પરંતુ મને આપવામાં આવેલાં વચન પણ હજુ સુધી પૂરાં થયાં નથી. મને એક પૈસો પણ મળ્યો નથી. મેં ચેક અંગે પૂછપરછ કરી, પરંતુ હજુ સુધી મને કોઈ જવાબ મળ્યો નથી.”

You might also like