ગેરકાયદે વિદેશી ચલણ કેસમાં ગિલાનીને EDની શો કોઝ નોટિસ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) હુર્રિયત કોન્ફરન્સના કટ્ટરવાદી પંથના અલગતાવાદી નેતા સૈયદ અલીશાહ ગિલાનીને શો કોઝ (કારણ દર્શક) નોટિસ બજાવી છે. આ નોટિસ ૨૦૦૨માં ગેરકાયદે ૧૦,૦૦૦ ડોલર ધરાવવાના મામલે જારી કરવામાં આવી છે. ઈડીએ આ અગાઉ નોટિસ બજાવતા પહેલા ગિલાનીને આ નાણાંનો સ્ત્રોત જણાવવા આદેશ કર્યો હતો. ઈન્કમટેક્સ વિભાગે ૨૦૦૨માં શ્રીનગરના હૈદરપુરા વિસ્તારમાં તેમના નિવાસસ્થાને દરોડા પાડીને વિદેશી ચલણ જપ્ત કર્યું હતું.

ઈન્કમટેક્સ વિભાગના રિપોર્ટની નોંધ લઈને ઈડીએ આ વર્ષે માર્ચમાં પણ ગિલાનીને સમન્સ જારી કર્યો હતાે. ઈડીએ જણાવ્યું હતું કે ગિલાનીના વકીલે લેખિત જવાબ આપીને તેમના ઘરેથી કોઈ વિદેશી નાણું ઝડપાયાનો ઈન્કાર કર્યો છે. સમન્સ બાદ ગિલાનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે અપીલ દસ્તાવેજ સોપીને વિદેશી ચલણની વસૂલાત અને જપ્તીને સમર્થન આપ્યું હતું, પરંતુ તેઓ આ નાણાંનું કાનૂની સ્ત્રોત દર્શાવી શક્યા ન હતા.

એનઆઈએ દ્વારા ૨૦ મેના રોજ હુર્રિયત નેતા નઈમખાનના એક સ્ટિંગ ઓપરેશનના સંદર્ભમાં તપાસ શરૂ કરી છે, જેમાં પાકિસ્તાન પાસેથી નાણાં મળ્યાની વાત કબૂલવામાં આવી હતી. આ મહિનાના આરંભે એનઆઈએ દ્વારા નઈમખાન, બિટ્ટા રકાટે અને જાવેદબાબા ગાજી જેવા અલગતાવાદી નેતાઓ સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા પાડ્યા હતા.

You might also like