ઇમામને તબીબોની જાણ બહાર બહેને આપ્યું પાણી : વિવાદ વકર્યો

મુંબઇ : ઇજીપ્તની ઇમાન અહેમદની મુંબઇની સૈફી હોસ્પિટલમાં ચાલી રહેલી સારવારમાં આજે વધારે એક ડ્રામા ઉમેરાયો છે. ઇમાનની સારવાર કરી રહેલી હોસ્પિટલે તેની બહેન શાયમા સેમીલ સામે સારવારમાં દખલ દેવા બદલ ફરિયાદ દાખલ કરી છે. હોસ્પિટલે ફરિયાદમાં જણાવ્યું છે કે, શાયમાએ ડોક્ટર્સની મંજૂરી વગર ઇમાનને પીવા માટે પાણી આપી દીધું હતું.

ડોક્ટર્સનાં જણાવ્યા પ્રમાણે ઇમાન હાલમાં કોઇ પણ વસ્તુ ગળી શકતી નથી. તેને ટ્યુબથી ખોરાક આપવામાં આવી રહ્યો છે. શાયમાએ બહેનને તરસ લાગી હોવાનું કારણ આગળ ધરી તેને પાણી પીવડાવ્યું હતું. આ અંગે એક મીડિયા સાથે વાત કરતા ઇમાનની બહેન શાયમાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં જે રૂમમાં ઇમાનને રાખવામાં આવી છે ત્યાં પોલીસ આવી હતી. પોલીસની હાજરીથી હું ખૂબ ડરી ગઇ હતી.

આજે સવારે રાજ્યનાં આરોગ્યમંત્રી દીપક સાવંતે હોસ્પિટલની મુલાકાત લઇને ઇમાનનાં ખબર અંતર પૂછ્યા હતા. ઉપરાંત ઇમાનની સર્જરી કરનાર ડોક્ટર લાકડાવાલાનાં જણાવ્યા પ્રમાણે સવારે કેન્દ્રીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ પણ તેની સાથે ટેલિફોનિક વાત કરી હતી. તેમણે સ્વરાજને ઇમાનની સર્જરી વિશે જરૂરી ડોક્યુમેન્ટ્સ પુરા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઇમાનને સારવાર માટે ભારત લાવવા માટે વિઝા આપવામાં સુષ્માં સ્વરાજે મદદ કરી હતી.

You might also like