કાશ્મીરમાં ખુદ ગિલાનીએ દીવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્યાં

નવી દિલ્હી: કાશ્મીરમાં ૨૪મે દિવસે પણ બંધનાં કારણે પરિસ્થિતિ ખરાબ રહી. અલગાવવાદીઓના કહેવા પર રાજ્યભરમાં લોકોએ પોત પોતાના વિસ્તારોમાં દીવાલો પર ‘ગો ઈન્ડિયા ગો બેક’ જેવાં સૂત્રો લખ્યાં. ખુદ અલગાવવાદી નેતા સૈયદ અલીશાહ ગિલાની પણ દીવાલો પર આવા નારા લખતા જોવા મળ્યા.

અલગાવવાદીઓએ જાહેરાત કરી હતી કે લોકો આ પ્રકારે પ્રોટેસ્ટ કરે. આ દરમિયાન ઘણાં સ્થાનો પર થયેલી ઝડપોમાં સીઆરપીએફ, પોલીસ સહિત બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. પુલવામાં, કુલગામ અને શોપિયામાં કરફ્યુ હતો જ્યારે શ્રીનગર, વડગામ, કૂપવાડા અને બારામુલ્લાના ઘણા વિસ્તારોમાં ૧૪૪ની કલમ લગાવાઈ હતી. તેમ છતાં પણ અલગાવવાદીઓના કહેવાથી આંદોલનકારીઓ રસ્તા પર ઊતર્યા. કાજીકુંડ, ટંગમર્ગ અને બાંડીપોરામાં સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો.

આતંકી બુરહાનનાં મૃત્યુના ૨૪ દિવસ બાદ પણ કાશ્મીરમાં પરિસ્થિતિ સુધારવાનાં એંધાણ દેખાતાં નથી. પ્રદર્શનો અને હિંસાનો દોર ચાલુ છે. કાશ્મીરમાં હડતાળ પાંચ ઓગસ્ટ સુધી વધારાઈ છે. અલગાવવાદીઓ તેને ૧૫ ઓગસ્ટ સુધી લઈ જવા ઈચ્છે છે. આક્ષેપ છે કે આ માટે પથ્થરમારોને પૈસા આપીને ઠેર ઠેર હિંસા ફેલાવવામાં આવે. સીએમ મહેબૂબા મુફ્તિએ પણ માન્યું છે કે હિંસક પ્રદર્શનોમાં અલગાવવાદીઓનો હાથ છે.

You might also like