સહારા ગ્રૂપ 14 હજાર કરોડના નવા કેસમાં ફસાયું

નવી દિલ્હી: સહારા ગ્રૂપ વધુ એક કેસમાં ફસાતું જોવા મળી રહ્યું છે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ સહારા ગ્રૂપની એક અન્ય કંપનીને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રૂ. ૧૪ હજાર કરોડની રકમ ૧૫ ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે.

સહારા ગ્રૂપની આ કંપનીએ નિયમોનું ઉલ્લંઘન કરીને રોકાણકારો પાસેથી રૂ. ૧૪ હજાર કરોડ એકત્ર કર્યા હતા. સેબીનું કહેવું છે કે ઓપરેશનલી ફુલ્લી કન્વર્ટેબલ ડિબન્ચર દ્વારા નિયમોને નેવે મૂકીને રૂ. ૧૪ હજાર કરોડની જંગી રકમ એકત્ર કરવામાં આવી હતી. સેબીએ કંપની અને તેના વડા સુબ્રતો રોયને રોકાણકારોને આ રકમ વાર્ષિક ૧૫ ટકાના દરે પરત કરવા આદેશ કર્યો છે.

સેબીએ પોતાના આદેશમાં સહારા ગ્રૂપની કંપની સહારા ઇન્ડિયા કોમર્શિયલ લિ. અને તેના તત્કાલીન ડાયરેક્ટરો અને સંબંધિત એકમોને બજારમાંથી કે અન્ય કોઇ જાહેર એકમમાંથી નાણાં એકત્ર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સેબીનો આ આદેશ કંપની દ્વારા ૧૯૯૮થી ૨૦૦૯ વચ્ચે બોન્ડ જારી કરીને બે કરોડ રોકાણકારો પાસેથી નિયમોનો ભંગ કરીને નાણાં એકત્ર કરવા સંબંધિત છે. આ ઉપરાંત સેબી દ્વારા ગ્રૂપની અન્ય બે કંપનીને રૂ. ૨૪ હજાર કરોડથી વધુ રકમ પરત કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પડતર છે.

You might also like