સહારા ડાયરીમાં ૧૦૦થી વધુ નેતા, ૧૮થી વધુ રાજકીય પક્ષનાં નામ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલી કહેવાતી સહારા ડાયરીનો મુદ્દો ગરમાઈ રહ્યો છે. આ ડાયરીમાં ૧૧ પાનાં એવાં છે, જેમાં રકમની લેણદેણનો ઉલ્લેખ છે. આ ૧૧ પાનાંમાં મોટા પાયે નાણાં લેનારા ૧૦૦થી વધુ રાજકારણીઓનાં નામ છે. આ ડાયરીમાં જે નેતાઓનો ઉલ્લેખ છે તેમાં ભાજપ, કોંગ્રેસ, જદ (યુ), રાજદ, સપા, એનસીપી, જેએમએમ, જેવીએમ, ટીએમસી, બીજેડી, બીકેયુ, શિવસેના અને એલજેપી સહિત ૧૮ રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે. આ ડાયરીમાં રાજકીય નેતાઓનાં નામવાળાં પ્રિન્ટેડ પાનાંની બે યાદી છે, જેમાં કુલ ૫૪ નામનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત બે પાનાં હાથે લખેલા છે અને એક અન્ય પ્રિન્ટેડ પાનું છે, જેમાં જૂનાં નામ જ લખવામાં આવ્યાં છે. આ ઉપરાંત બે વધુ પ્રિન્ટેડ પાનાં છે, જેમાં ચૂંટણી લડનારા ૬૨ ઉમેદવારોની યાદી છે.

હસ્તલિખિત પાનાંઓમાં ૨૦૧૦માં ચૂકવવામાં આવેલ પેમેન્ટનો ઉલ્લેખ છે. ડાયરીમાં પાંચ પાનાં એવા પણ છે, જેમાં ૨૦૧૩ અને ૨૦૧૪ વચ્ચે પ્રાપ્ત થયેલ નાણાંની ડિટેઇલ ટેબલ ફર્મમાં આપવામાં આ‍વી છે. આ ૧૦ મહિનાના સમયગાળા દરમિયાન પ્રાપ્ત થયેલ રકમ રૂ. ૧૦૦ કરોડના આંકને પણ વટાવી ગઈ છે. જોકે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સિટી)ના અધિકારીઓનું કહેવું છે કે ડાયરીના પાનાં અને તેની એન્ટ્રી નકલી પણ હોઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે સહારાના એક અધિકારીએ પોતાના નિવેદનમાં એવું પણ જણાવ્યું છે કે તેમણે આ એન્ટ્રી બીજી કંપનીઓના અધિકારીઓને ધમકી આપવા માટે પણ લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બિરલા અને સહારા ગ્રૂપ પર ઈન્કમટેક્સ વિભાગે ૨૦૧૩ અને ૨૦૧૪માં દરોડા પાડ્યા હતા અને દરોડાની કાર્યવાહી દરમિયાન ઈન્કમટેક્સને મહત્ત્વના દસ્તાવેજો પ્રાપ્ત થયા હતા, જેમાં આ ડાયરીનો પણ સમાવેશ થતો હતો.
http://sambhaavnews.com/

You might also like