રિસર્ચ શિપ ‘સાગર સંપદા’ની આગ પર બે જહાજોએ કાબૂ મેળવ્યો

(એજન્સી) કર્ણાટક: કર્ણાટકના મંગલુરુ તટ પર ઊભેલા જહાજ સાગર સંપદામાં કાલે રાત્રે ભયંકર આગ લાગી હતી. દુર્ઘટના સમયે જહાજ પર ૩૦ સભ્યના ચાલકદળ ઉપરાંત ૧૬ વિજ્ઞાનીઓ પર સવાર હતા. આગની સૂચના મળતાં જ ભારતીય દરિયાઈ સુરક્ષાદળનાં બે જહાજ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સાગર સંપદા સમુદ્ર વિજ્ઞાન અને ફિશરીઝ રિસર્ચનું કામ કરે છે. દરિયાઈ સુરક્ષાદળ દ્વારા અપાયેલી જાણકારી અનુસાર કાલે રાત્રે સાગર સંપદા જહાજમાં આગ લાગી હતી. દુર્ઘટના સમયે આ રિસર્ચ શિપ મંગલુરુ તટ પર જ ઊભેલું હતું. સૂચના મળતાં જ બે જહાજ વિક્રમ અને શુર ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને આગ પર કાબૂ મેળવ્યો હતો. દુર્ઘટનાગ્રસ્ત જહાજને હવે મંગલુરુ પોર્ટ તરફ મોકલવામાં આવી રહ્યું છે.

સૂત્રોનું કહેવું છે કે સાગર સંપદામાં લાગેલી આગ ભીષણ હતી. જહાજમાં લાગેલી આગની તપાસ થઈ રહી છે. નુકસાન કેટલું થયું તે જાણવાની કોશિશ ચાલી રહી છે. કોસ્ટગાર્ડ એ જાણવાની કોશિશ કરે છે કે જહાજમાં આગ કેવી રીતે લાગી હતી.

You might also like