કોલ સેન્ટર પહેલાં સાગર મેડિકલ ફ્રોડમાં પણ કરોડો કમાયો હતો!

અમદાવાદ: કોલ સેન્ટરના રેકેટમાં રાતોરાત કરોડપતિ બનનાર સાગર ઉર્ફે શેગી ઠક્કર 18 વર્ષની ઉંમરથી જ ઓનલાઇન છેતરપીંડી કરવામાં માહિર હોવાનું સામે આવ્યું છે. કોલ સેન્ટરના રેકેટ પહેલાં સાગરે દર્દીઓને ઓનલાઇન 30 ટકા ડિસ્કાઉન્ટથી દવાઓ આપવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું થાણે ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે.

23 વર્ષની ઉંમરે કોલ સેન્ટરનાં રેકેટમાં કરોડો રૂપિયાના ફૂલેકું ફેરવનાર સાગર ઠક્કર ઓનલાઇન છેતરપીંડી કરવામાં નિષ્ણાત હોવાનું સામે આવ્યું છે. સાગરે 18 વર્ષની ઉંમરથી ઓનલાઇન છેતરપીંડી કરવામાં મહારથ હાંસલ કરી હતી. કોલ સેન્ટર મારફતે વિદેશી નાગરિકો સાથે ખંડણી ઉઘરાવવાનું શરૂ કર્યું તે પહેલાં સાગરે દર્દીઓને 30 ટકા ડિસ્કાઉન્ટ સાથે દવાઓ મળશે તેવી ઓનલાઇન સ્કીમ શરૂ કરી હતી. થાણે ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2012માં ભાવનગર ખાતે સાગરે તેના મિત્રો અલિયાશ શેગી, તપેશ, જિમી, અને અખિલેશસિંગ સાથે મળીને ઓનલાઇન મેડિસિન વેચવાનો કારોબાર શરૂ કર્યો હતો.

ઉલ્લખનીય છે કે દેશભરમાં મહિને પાંચ હજાર રૂપિયાથી વધુની દવાઓ ખરીદનાર દર્દીઓના ડેટા દવાની દુકાનોમાંથી મેળવી લીધા હતા. જેના આધારે દર્દીઓને ફોન કોલ્સ કરતા હતા. દર્દીઓ જ્યાંથી દવાઓ ખરીદતા હોય તે દવાની દુકાનનું નામ દઇને ડિસ્કાઉન્ટ સ્કીમમાં તમારું નામ સિલેકટ થયું છે અને તમને 30 ટકા ડિસ્કાઉન્ટ પર દવાઓ મળશે તેવું કહીને દર્દીઓ તથા તેમના પરિવારને લાલચ આપતા હતા.

લાલચમાં આવી ગયેલા દર્દીઓના પરિવારજનો પાસેથી એડ્વાન્સ રૂપિયા બેંકમાં જમા કરાવવા પડશે તેવું કહીને ઠગાઇ કરતા હતા. પ્રાપ્ત મહિતી અનુસાર ઓનલાઇન દવાઓ વેચવાના કૌભાંડમાં સાગર ઠક્કર લાખો રૂપિયાની કમાણી સગીર વયની ઉંમરે કરી હતી. ત્યાર બાદ લોકોને છેતરીને રૂપિયા કમાવવા આસાન હોવાથી તેેણે કોલ સેન્ટરનો ગોરખધંધો શરૂ કર્યો હતો. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર આવનારા દિવસમાં સાગર વિરુદ્ધમાં અન્ય કૌભાંડો પણ સામે આવે તેવી શક્યતાઓ છે.

You might also like