સેફ્ટી હોમમાંથી અાઠ બાળ ગુનેગારો હોમગાર્ડ પર હુમલો કરી ભાગી છૂટ્યા

અમદાવાદ: મહેસાણામાં ઝોનલ ઓબ્ઝર્વેશનના સેફ્ટી હોમમાંથી અાઠ બાળ ગુનેગારો હોમગાર્ડ પર હુમલો કરી ફરાર થઈ જતાં તંત્ર ચોંકી ઉઠ્યું છે. રાતભરની તપાસ દરમિયાન હજુ સુધી ફરાર બાળ અારોપીઓનો કોઈ અતોપતો મળ્યો નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર અા અંગેની વિગત એવી છે કે મહેસાણા સેફ્ટી હોમના પ્રથમ માળે મોડી રાતે બાળ અારોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. તેથી સેફ્ટી હોમના અધિક્ષકે અન્ય કોઈ ઘટના ન બને તે માટે ત્રણ હોમગાર્ડના જવાનોને બંદોબસ્તમાં મૂક્યા હતા. દરમિયાનમાં મોડી રાતે એક વાગ્યાના સુમારે બાળ અારોપીઓ વચ્ચે ફરી ઝઘડો થયો હતો અને એક રૂમમાં રહેતા બાળકોએ સામસામે હુમલા કરી બારી-બારણાંના કાચ ફોડી નાખ્યા હતા.

ઝઘડામાં દરમિયાનગીરી કરવામાં અાવેલા એક હોમગાર્ડના જવાનને પણ બાળ અારોપીઓએ ટાર્ગેટ બનાવી તેની પર કાચની બોટલથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી અને અા પછી મોડી રાતે બારીના કાચ ફોડી ગ્રીલમાંથી ૧૨ ફૂટ નીચે જમ્પ લગાવી અાઠ બાળ અારોપીઓ નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં જ સત્તાવાળાઓએ તાત્કાલીક પહોંચી જઈ સઘન તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like