વાજપેય યજ્ઞ કર્યાનું ફળ આપનાર સફલા એકાદશી

દરેક માસની સુદ તથા વદની બંને એકાદશી ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. તેમાંય માગશર માસની સફલા એકાદશી તો ભગવાનને ખૂબ પ્રિય છે. આ એકાદશી કરનારને વાજપેય યજ્ઞ કર્યાનું ફળ અનાયાસે પ્રાપ્ત થાય છે. જે કોઇ વ્યકિત આજે શુદ્ધ ચિત્તથી ભગવાનનું આ દિવ્ય વ્રત કરે છે તેને પાંચ હજાર વર્ષ તપ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

સર્પોમાં જેમ શેષનાગ ઉત્તમ છે. પક્ષીઓમાં જેમ ગરુડ ઉત્તમ છે. યજ્ઞોમાં જેમ અશ્વમેઘ યજ્ઞ છે. નદીઓમાં જેમ ગંગા ઉત્તમ છે. દેવોમાં જેમ વિષ્ણુ ઉત્તમ છે. મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ ઉત્તમ છે તેમ દરેક તિથિમાં એકાદશી સફલા એકાદશી ઉત્તમ છે.
આ એકાદશી કરનારે નીચેના ઉપાયોમાંથી શકય એટલા ઉપાય અજમાવવા. નાળિયેર, બિજોરાં, લીંબુ, દાડમ, સોપારી, લવિંગ, કેરી જે કંઇ મળે તે લઇ ભગવાનને અર્પણ કરવા. તેનાથી તેમની પૂજા કરવી. આજે તેમને તલ ખાસ ધરાવવા. દીપદાન કરવાથી પણ ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય છે.

કથાઃ પૂર્વે ચંપાવતી નામનું નગર હતું. તેમાં માહિષ્મત નામનો રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને ચાર પુત્ર હતા. તેમાં મોટા પુત્રનું નામ લુંપક હતું. તે મહાપાપી હતો. પરસ્ત્રી સંગ તેને બહુ ગમતો હતો. જુગાર તેની પ્રિય રમત હતી.ગણિકા પાછળ તે પુષ્કળ ધન ખર્ચ કરતો હતો. દેવો તેમજ બ્રાહ્મણોની તે ખૂબ જ નિંદા કરતો હતો. તેના આ પાપ કર્મોને કારણે રાજા માહિષ્મતે તેને પોતાના રાજ્યમાંથી કાઢી મૂકયો. રાજાએ તેને કાઢી મૂકતાં તેના સગાં-વહાલાંએ પણ તેને જાકારો આપ્યો. તેને બધા તિસ્કારવા લાગ્યા. આથી તેણે રાજાને નુકસાન કરવાનું વિચાર્યું.

તે રાત્રે જંગલમાંથી બહાર આવી રાજ્યમાં ચોરી કરવા લાગ્યો. દિવસે જંગલમાં રહેતો તેમજ પશુ-પક્ષીને મારતો અને તે ખાતો. વનમાં આવેલાને લૂંટી લેતો. રાત્રે ચોરી કરતાં તે ઘણી વખત પકડાયો, પરંતુ રાજાનો પુત્ર હોવાને કારણે લોકો તેને થોડો માર મારી છોડી મૂકતા હતા. આમ ઘણો સમય પસાર થઇ ગયો. તે વનમાં માંસ તથા ફળ ખાઇને રહેતો હતો. તે જ્યાં રહેતો હતો તે જગ્યા પાસે એક આશ્રમ હતો. તે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય હતો. આ લુંપક એક પીપળાના ઝાડ નીચે રહેતો હતો.

એક વખત માગશર માસ આવ્યો. માગશરમાં પુષ્કળ ટાઢ પડવા લાગી. માગશરની વદ દશમે ખૂબ જ ઠંડી પડી. તેની પાસે કોઇ વસ્ત્રો હતાં નહીં. ઠંડીથી તે બેભાન થઇ ગયો. થોડી વારે ભાનમાં આવતાં તે પેલા પીપળા નીચે જઇ સૂતો, પરંતુ ઠંડીને કારણે તેનાં ડાચાં ખખડતાં હતાં. તેને ઊંઘ આવી નહીં. પછી પાછો તે બેભાન થઇ ગયો.

અગિયારશની બપોરે તડકો પડતાં તે ઊઠયો. જેમ તેમ ચાલતો ચાલતો નીચે પડેલાં ફળ વીણી લાવ્યો. તે ફળ તેણે પીપળાનાં મૂળ પાસે મૂકયાં. ફળ મૂકી કોઇ પુણ્યને કારણે તે બોલ્યો કે, “હે શ્રીહરિ, આ ફળ આપને અર્પણ કરું છું. તે રાત્રે ઠંડીનું જોર વધતાં તે સૂઇ ન શકયો. આ જાગરણને કારણે ભગવાને જાગરણ સમજ્યું. ફળ ધરાવ્યાં હોવાથી તેને પૂજન સમજ્યા.”

એકાદશીની રાત પૂરી થતાં ત્યાં એક દિવ્ય ઘોડો આવ્યો. તેની ઉપર ઉત્તમ વસ્ત્રો હતાં. તે વખતે આકાશવાણી થઇ કે, “હે રાજપુત્ર તું આ વસ્ત્રો પહેરીને તારા રાજ્યમાં આ ઘોડા ઉપર બેસી જા. તારા પિતા તથા નગરજનો તને આવકારવા તૈયાર છે. તને તારું રાજ્ય સફલા એકાદશીને પ્રતાપે મળે છે. તે તું ભોગવ.”

આ વસ્ત્રો પહેરતાં જ દિવ્ય તેજથી લુંપક ચમકવા લાગ્યો. અશ્વ ઉપર બેસતાં જ તેનું રૂપ દિવ્ય થઇ ગયું. તે પોતાના રાજ્યમાં આવ્યો. રાજા તથા નગરજનોએ તેનું સ્વાગત કર્યું. આ અગિયારશ અચાનક થઇ જવાથી તેને તેનું રાજય પ્રાપ્ત થયું. એકાદશીના પ્રતાપે તેનું રૂપ દિવ્ય થઇ ગયું. તે જીવ્યો ત્યાં સુધી તેણે શત્રુરહિત રાજ્ય ભોગવ્યું. તે દર માસની સુદ અને વદની અગિયારશ કરતો હતો. તેના કારણે તે મૃત્યુ પછી વૈકુંઠમાં વાસ પામ્યો. •શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like