સફલ ગ્રૂપના બિલ્ડર પાસે રૂ. રપ લાખની ખંડણીની માગણી

અમદાવાદ: ‘બી’ સફલ ગ્રૂપના બિલ્ડર રૂપેશભાઇ બ્રહ્મભટ્ટ પાસે જનકસિંહ ખુશાલસિંહ પરમાર સહિત ચારેક લોકોએ રૂ.રપ લાખની ખંડણી માગી હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. આરોપીઓએ પૈસા ના આપે તો ખોટા કેસમાં ફસાવી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ‘બી’ સફલ ગ્રૂપ દ્વારા અનેક જગ્યાએ બિલ્ડિંગ બનાવવાની કામગીરી ચાલી રહી છે. વાસણાના મંગળ તળાવનાં છાપરાં ખાતે સરકારી મકાનો બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. રૂપેેશભાઇ બિલ્ડિંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

પાલડીમાં ભગવાનદાસની ચાલી ખાતે રહેતા જનકસિંહ ખુશાલસિંહ પરમાર અને અન્ય ત્રણથી ચાર મળતિયાઓએ જાન્યુઆર- ર૦૧પથી રૂપેશભાઇ પાસે અવારનવાર પૈૈસાની માગણી કરી હતી. વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વિક્રમ દેસાઇએ જણાવ્યું હતું કે રૂપેશભાઇ સરકારી મકાનો બાંધવાની કામગીરી કરે છે. જનકસિંહ અને અન્ય શખ્સોએ મંગળ તળાવનાં છાપરાં ખાતે જઇને રૂપિયાની માગણી કરી હતી, જેમાં અગાઉ તેઓને રૂ.આઠ લાખ આપ્યા હતા.

બાદમાં તેઓએ રૂ.રપ લાખની માગ કરી હતી. વારંવાર પૈસા માગવા છતાં ન આપતાં તેઓને પૈસા નહીં આપે તો ખોટા કેસમાં ફસાવી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી રૂપેશભાઇએ આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં જનકસિંહ ખુશાલસિંહ પરમાર અને ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like