કુંભમાં સ્નાનની મનાઇ ફરમાવાતાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે અનશન શરૂ કર્યાં

ઉજ્જૈન: અદાલતનો આદેશ હોવા છતાં ઉજ્જૈનમાં યોજાયેલ સિંહસ્થ કુંભમેળામાં સ્નાન કરવા માટે સત્તાવાળાઓએ મનાઇ ફરમાવતાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે હોસ્પિટલમાં જ ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ર૦૦૮ના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં આરોપી બનાવવામાં આવેલાં પ્રજ્ઞા ઠાકુર સામેથી તપાસ એજન્સી એનઆઇએએ તમામ આરોપો પાછા ખેંચી લીધા છે. પ્રજ્ઞા ઠાકુરના નિકટના સાથી ભગવાન ઝાઅે જણાવ્યું હતું કે પંડિત કુશીલાલ શર્મા આયુર્વેદિક હોસ્પિટલમાં ચાલી રહેલા ઇલાજ દરમિયાન પ્રજ્ઞા ઠાકુરે સિંહસ્થ કુંભમેળામાં ‌િક્ષપ્રા નદીમાં સ્નાન કરવા અને કુંભમેળો જોવા પોતાની ઇચ્છા વ્યકત કરી હતી, પરંતુ ત્યાં જવામાં મનાઇ ફરમાવવામાં આવતાં પ્રજ્ઞા ઠાકુરે સોમવારે રાત્રે ૯-૦૦ વાગ્યે આમરણ અનશન શરૂ કરી દીધાં છે. ભગવાન ઝાએ જણાવ્યું હતું કે અદાલતે સાધ્વી પ્રજ્ઞાને સિંહસ્થ કુંભમેળામાં સ્નાન કરવાની મંજૂરી આપી હતી, પરંતુ ઝાનું કહેવું છે કે પર્યાપ્ત સંખ્યામાં સુરક્ષાકર્મીઓના અભાવને કારણે પોલીસ સાધ્વી પ્રજ્ઞાને કુંભમેળામાં સ્નાન કરાવવા લઇ જતી નથી.

આ અગાઉ પ્રજ્ઞા ઠાકુરે એમપીના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે જો તેમને સિંહસ્થ કુંભમેળામાં જવાની મંજૂરી નહીં આપવામાં આવે તો હું આમરણ અનશન પર બેસીને પ્રાણ ત્યાગી દઇશ.  પ્રજ્ઞા ઠાકુરે પત્રમાં લખ્યું છે કે સિંહસ્થ કુંભમેળો સમાપ્ત થયા બાદ તે પોતાનો દેહ ત્યાગી દેશે અને સમાધિ લઇ લેશે. પ્રજ્ઞા ઠાકુરની આ ચેતવણીથી સરકારની મુશ્કેલી વધી ગઇ છે. પ્રજ્ઞા ઠાકુરના વકીલે જેલ અધિક્ષકને આ પત્ર સુપરત કર્યો હતો. આ પત્રની નકલ રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, મુખ્યપ્રધાન, ગૃહ પ્રધાન, હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ, માનવ અધિકાર પંચ, મહિલા પંચ વગેરેને પણ મોકલવામાં આવી છે.

પ્રજ્ઞા ઠાકુરે લખ્યું હતું કે તેઓ જ્યારે કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઇ રહ્યાં છે ત્યારે હવે પછી યોજાનાર કુંભમેળામાં જઇ શકશે નહીં અને તેથી તેમની અંતિમ ઇચ્છા છે કે ઉજ્જૈન સિંહસ્થ કુંભમેળામાં જઇને તે પોતાના ગુરુ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગીરીજી મહારાજના આશીર્વાદ લે.

You might also like