સાધ્વીએ લજાવી સાધુતા

૧૬ જાન્યુઆરી, સોમવારનો દિવસ. ગરવા ગિરનારની તળેટીમાં આવેલા દેવાધિદેવ ભવનાથ મહાદેવના મંદિરમાં ઉત્સવનો માહોલ છે. ભક્ત સમુદાય ભજન અને ભક્તિના આનંદમાં હિલોળા લે છે. ચોતરફ જયજયકારના નાદ ગુંજે છે. મંદિરને સાધ્વી જયશ્રીગીરીના રૂપમાં નવા મહંત મળ્યા છે તેનો ઓચ્છવ ચાલી રહ્યો છે. આરતી, આતશબાજી અને મહાપ્રસાદ દ્વારા આનંદની અભિવ્યક્તિ થઇ રહી છે. ચોતરફ આનંદ અને ઉલ્લાસના આ માહોલ વચ્ચે સંતો અને ભક્તોના એક વર્ગમાં ઉદાસીનતા છવાઇ છે. કોણ જાણે કેમ તેમને આ બધામાં કંઇક અમંગળનાં એંધાણ વરતાઇ રહ્યાં હતાં. તેઓ આ આનંદ ઉત્સવમાં સામેલ થવાને બદલે જુદી જ દિશામાં વિચારી રહ્યા હતા. મંદિરના નવા ગાદીપતિના કબજામાં મંદિરને જતું અટકાવવાનો પ્રયાસ કરવાની વાત તેમના દિમાગમાં ચાલી રહી હતી. મંદિરના જૂના ગાદીપતિને હટાવવાની વાત તેમના મનમાં બેસતી ન હતી. મંદિરના વહીવટ અને આધિપત્યમાં એકાએક આ પરિવર્તન શા માટે અને કયા ઉદ્દેશે થઇ રહ્યું હતું- એ પ્રશ્ન તેેમને સતાવતો હતો. બીજી બાજુ જૈન સમાજના અગ્રણીઓ પણ આ ઘટનાક્રમથી ચિંતિત હતા. મંદિરના મહોત્સવમાં વિક્ષેપ પાડ્યા વિના તેઓ કોઇ રસ્તો શોધવામાં લાગી ગયા. ભવનાથ મંદિરનો કબજો લેવા માટે આ દિવસ કેમ પસંદ કરાયો તેની તે વખતે કોઇને ખબર ન હતી. પાછળથી જાણ થઇ કે એ જ દિવસે ૧૬મીએ સાધ્વી જયશ્રીગીરીનો જન્મદિવસ હતો.

આખરે આ સાધ્વી જયશ્રીગીરી કોણ છે, એ પણ ઘણા લોકોને માટે કૌતુકનો વિષય હતો. કેટલાકે તેમના વિશે વિગતો જાણવાનો પ્રયાસ કર્યો અને જે સંકેતો મળી રહ્યા હતા એ ચોંકાવનારા અને આંખ ઉઘાડનારા હતા. ઘણીબધી આશંકાઓને જન્માવનારા હતા, પરંતુ એ બધામાં પડ્યા વિના તેઓએ એક જ વાત વિચારી – ભવનાથ મંદિરના જૂના ગાદીપતિને ન્યાય અપાવવા ક્યાંક રજૂઆત કરવી. જૈન અગ્રણીઓનો અભિપ્રાય પણ એવો થયો કે ભવનાથથી ગિરનારની ગિરિમાળાઓ સુધી જૈનોનો હક-હિસ્સો છે. એમ રાતોરાત કોઇને આધિપત્ય કઇ રીતે આપી શકાય ? ભવનાથ મહાદેવમાં ઊંડી આસ્થા ધરાવનારા લોકોએ મહાદેવનું શરણું લીધું- હે દેવાધિદેવ, તમે જ રસ્તો બતાવો! – અને કોઇને મનમાં ઝબકારો થયો- આપણા લોકપ્રતિનિધિ, આ મતવિસ્તારના ધારાસભ્ય જસા બારડ પ્રધાન પણ છે. તેમની સમક્ષ ધા નાખીએ. મામલો પહોંચ્યો જસાભાઇ બારડ પાસે. તેમને પણ રજૂઆતમાં દમ લાગ્યો. તેમણે મુખ્યમંત્રીને વાત કરી. મુખ્યપ્રધાનને એ પણ સૂચિત કરાયું કે સાધ્વી જયશ્રીગીરી જૈનોના અધિકાર પર પણ તરાપ મારી રહ્યાં છે. કંઇક ખોટું થઇ રહ્યું છે એવું સમજમાં આવતા મુખ્યપ્રધાને જસાભાઇ બારડને ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિને પાલનપુર ધ્વજવંદન કરાવવા જવાનું કહ્યું અને ધ્વજવંદન વગેરે કાર્યક્રમો પૂર્ણ થયા બાદ એક્શનમાં આવવા સંકેત આપી દીધા.

૨૬ જાન્યુઆરીના દિવસે પાલનપુરમાં ધ્વજવંદન બાદ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ સાથેની ચર્ચામાં ઘણી હકીકતો બહાર આવી. સાધ્વી જયશ્રીગીરી સામેની પાંચ કરોડની છેતરપિંડીની એક સોનીની અરજી શોધી કાઢવામાં આવી અને સાધ્વીનાં ઠેકાણાંઓ પર દરોડા પાડી સોનું, રોકડ અને વિદેશી દારૂની બે પેટી કબજે કરવામાં આવી. સાધ્વી જયશ્રીગીરીની ૨૭ જાન્યુઆરીએ ધરપકડ કરાઇ અને તપાસનો ધમધમાટ શરૂ થયો. એ પછી સાધ્વી જયશ્રીગીરીની કરમકુંડળીનાં એક પછી એક પ્રકરણો ખૂલવાં લાગ્યાં અને મીડિયામાં આવવાં લાગ્યાં. એ જાણીને સમગ્ર ગુજરાતના અને ગુજરાત બહારના લોકો પણ ચોંકી ઊઠ્યા. આખરે કોણ છે આ સાધ્વી જયશ્રીગીરી? કેવી રીતે દીક્ષા લીધી અને મહામંડલેશ્વર કેવી રીતે બની ગયાં?

સાધવી જયશ્રીગીરી મૂળ વિજાપુરના ખણુસા ગામનાં તેનું બાળપણનું નામ  હસુમતી ગોસ્વામી. નાની ઉંમરમાં એનાં લગ્ન ખેરાળુ તાલુકાના સાણસોલ ગામના બળદેવપુરી ગોસ્વામી સાથે થયાં હતાં. લગ્નજીવન કોર્ટે ચડ્યું અને ૧૯૮૯માં બળદેવપુરી પાસેથી ૨૦-૨૨ વર્ષની ઉંમરે જ ૫૦ હજાર રૂપિયા લઈને છૂટાછેડા લીધા. હસુમતી ફિલ્મો જોવાની શોખીન હતી. ત્યારબાદ હસુમતી મુસ્લિમ યુવક સાથે  લગ્ન કરી તેણે હસીનાબાનુ નામ ધારણ કર્યું. તેનાથી તેને દીકરો-દીકરી થયાં.

બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલા મુક્તેશ્વર મહાદેવ મઠના મહંત જગદીશગીરીને પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવા પાટણની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જગદીશગીરી ને બિપિન મિત્રો હતા. હોસ્પિટલમાં જગદીશગીરી માટે સાધ્વી જયશ્રી ટિફિન લઈને જતાં અને જગદીશગીરીની સેવા કરતાં અને બાપુ સાથે મઠમાં આવી ગઈ અને સંન્યાસ લીધો. તે વખતે જગદીશગીરીને કેટલાક સાધુઓએ સમજાવ્યા હતા કે તમે આમ કરીને નર્કના ખાડામાં પડી રહ્યા છો. જગદીશગીરી ધરાર ન માન્યા અને શિષ્યા તરીકે બેસાડી અને જયશ્રીગીરી નામ આપ્યું. એ પછી  જયશ્રીએ મઠમાં આધિપત્ય જમાવવાનું ચાલુ કર્યું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જગદીશગીરી મઠમાં વિદેશમાંથી આવતાં કાળાં નાણાંને ૩૦ ટકા કમિશન લઈને ધોળાં કરી આપવાનું કામ કરતાં હતા. આ કામમાંથી જ વર્ષે દોઢ કરોડ રૂપિયા જેટલી કમાણી કરતા હતા. સેવાથી પ્રસન્ન થઈને જગદીશગીરીએ આ વાત જયશ્રીને કરી.

મુક્તેશ્વર મઠ અને મનફાવે તેમ કરવું

મુક્તેશ્વર મઠ મોકેશ્વર ગામથી ૧ કિલોમીટર દૂર અંતરિયાળ વગડામાં આવેલો છે. મઠમાં આટલી જંગી આવક છતાં ‘અભિયાન’ની ટીમે જોયું કે મઠમાં યાત્રિકો કે દર્શનાર્થીઓ માટે કોઈ સુવિધા ઊભી કરવામાં આવી નથી. મંદિર અને પરિસરમાં રહેલાં જુનવાણી મકાનોમાં જૂના કમરાના દરવાજા તૂટી ગયા છે, મિજાગરાઓ તૂટી ગયા છે. મંદિરનો દરવાજો પણ કટાઈ ગયો છે.

હમામ મેં સબ નંગે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સાધ્વી જયશ્રીગીરીના કેસમાં હમામ મેં સબ નંગે જેવો ઘાટ થયો છે. મુક્તેશ્વર મઠના મહંત જગદીશ મહારાજ જયશ્રીની ‘સેવા’થી પ્રસન્ન થઈને તેને મઠમાં લઈ આવ્યા હતા. જયશ્રીનું મન મહારાજની સેવામાં નહીં પણ મઠની આવકને કબજે કરવામાં લાગેલું હતું. એક દિવસ અચાનક જ મઠના મહંત જગદીશગીરી દેખાતા બંધ થઈ ગયા.થોડા દિવસો પછી લોકો પૂછપરછ કરવા લાગ્યા. લોકોને તેઓ તપ કરવા ગયાનું કહી દેવામાં આવતું મૌની બાબા જગદીશગીરીના

મૃત્યુનું રહસ્ય જાણતા હતા. સૂત્રો કહે છે કે મૌનીબાબાએ પોતાના શિષ્યોને પેનથી પાટીમાં લખી જણાવ્યંુ હતું કે આગામી બેસતા વર્ષે તેઓ મૌન તોડશે અને જગદીશગીરીના ગુમ થવાના રહસ્ય ઉપરથી પડદો ઊંચકશે.આવું કંઈ બને એ પહેલાં બેસતા વર્ષની આગલી રાતે ગુફામાં મૌનીબાબાની સળગી ગયેલી લાશ મળી. પોલીસ નિવેદનમાં મઠ તરફથી એવું લખાવવામાં આવ્યું હતું કે દિવાળીની રાતે સળગતો ફટાકડો ગુફામાં ગયો અને એમાં ધ્યાનસ્થ મૌની બાબા સળગી ગયા. મૌની બાબાના સેવક જયંતિ પ્રજાપતિની ફરિયાદને પગલે પીએમ રિપોર્ટમાં મૌનીબાબાને કેરોસીન છાંટી સળગાવ્યા હોવાનું બહાર આવ્યું. ‘અભિયાન’ની ટીમે મુક્તેશ્વર મઠની મુલાકાત લીધી હતી. પાંડવ ગુફાનું મુખ માંડ બે ફૂટનું છે. તેની સામે સેંકડો મીટર વિસ્તારમાં પથરાયેલો મુક્તેશ્વર ડેમ છે અને ડેમના સામે કાંઠે પણ નજીકમાં કોઈ વસતી નથી, ફટાકડો આવ્યો ક્યાંથી? લોકમુખે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જગદીશગીરીને મારી નાખવામાં આવ્યા અને તેની લાશને બે મોટા પથ્થર સાથે બાંધી નહેરમાં ફેંકી દેવામાં આવી હતી. શરૂઆતમાં લોકો જગદીશગીરી વિશેપૃચ્છા કરતા ત્યારે જયશ્રીગીરી જવાબ વાળતાં કે મહારાજ તપમાં બેઠા છે. ઘણો સમય વિત્યા પછી જગદીશગીરી વિશે ફરી સવાલો ઊઠતા ત્યારે જવાબ મળતો કે મહારાજ કુંભના મેળામાં ગયા હતા અને ત્યાંથી હજુ પરત નથી આવ્યા.

મૌની બાબાઃ એક રહસ્યની બીજી બાજુ

મૌની બાબાએ જગદીશગીરીના સાંનિધ્યમાં ૨૦૦૨માં ભાદરવી સુદ અગિયારના દિવસે ૧૨ વર્ષ મૌનવ્રત ધારણ કર્યું અને પાંડવકાળની ગુફામાં અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો હતો. મૌની બાબા ખૂનકેસના ફરિયાદી જયંતિભાઈ પ્રજાપતિ કહે છે, “જગદીશગીરી વિશ્વ હિન્દુ પરિષદના બનાસકાંઠાના માર્ગદર્શક મંડળના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા હતા. એ નાતે હું જગદીશગીરીને અવારનવાર મળતો. મૌની બાબા જગદીશગીરી મહારાજના ચાચા ગુરુ હતા અને મઠમાં રહેતા હતા. મૌની બાબા સાથે પણ મારે આત્મીય નાતો બંધાયો હતો. મૌની બાબા અનુષ્ઠાનમાં માત્ર પ્રવાહી ખોરાક લેતા હતા. મૌની બાબાએ મને સ્લેટમાં એવું લખી દીધું હતું કે જગદીશગીરી અબ ઇસ દુનિયા મેં નહી હૈ. મૌની બાબાને ૨૮ ઓક્ટોબર, ૨૦૦૮ના દિવાળીની મોડી રાતે કેરોસીન છાંટીને સળગાવી દેવાયા. એ પછીના બેસતા વર્ષના દિવસે વહેલી સવારે હું મઠમાં ગયો ત્યારે લાશ સળગતી હતી. મેં મૌની બાબાના ગુરુ અને રાજકીય નેતાઓને અને બધા પરિચિતોને ઘટનાની જાણ કરી. પોસ્ટમોર્ટમ માટે અમે મૌની બાબાના મૃતદેહને પાલનપુર લઈ ગયા. મેં મૌની બાબાના ભંડારા માટે સાધુસમાજને કહ્યું. દસેક દિવસ સુધી કોઈ ચહલપહલ ન થઈ એટલે મેં જયશ્રીગીરીને ૩૦૨ની કલમના મુખ્ય આરોપી બનાવી વડગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. કેસ પાલનપુર સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે.”

મૌની બાબાના મોતમાં ફટાકડાનું રોકેટ ગુફામાં આવ્યું અને બાબા સળગી મર્યા એવું લખાવ્યું હતું. એફએસએલ રિપોર્ટમાં મૌની બાબાના શરીર પરથી જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો હતો એટલે એલસીબીએ રાજન બારડ અને જયશ્રીગીરી ઉપર ખૂનના આરોપસર ગુનો દાખલ કર્યો. એ કેસ અત્યારે પાલનપુર સેશન્સ કોર્ટમાં ચાલે છે. એ કેસમાં સાધ્વી હાઇકોર્ટમાંથી આગોતરા જામીન લાવી હતી. ૪ વર્ષ વૉન્ટેડ રહી. પોલીસે એના નામના વૉન્ટેડનાં પોસ્ટર છપાવ્યાં હતાં.

ભવનાથ ભેટી ગયા

જો જયશ્રીગીરી ભવનાથ મહાદેવની અડફેટે ન ચડ્યાં હોત તો કદાચ જયશ્રીગીરીનાં કૃત્યો હજુ વર્ષો સુધી ચાલ્યા કરત. જયશ્રીગીરીનો ડોળો જૂનાગઢના પ્રસિદ્ધ ભવનાથ મહાદેવ પર મંડાયો એટલે તેમણે મંદિરના વડા સાધ્વીને કોરાણે મૂકીને અને આડે આવતા સાધુઓનું યેનકેન પ્રકારેણ મોં બંધ કરાવીને ભવનાથ મહાદેવનો વહીવટ પોતાને હસ્તક કરી લેવા ચક્રો ગતિમાન કર્યાં. ભવનાથ મહાદેવ મંદિરનો વહીવટ સંભાળી રહેલા જૂના અખાડાના મહામંત્રી હરિગીરી મહારાજને હસ્તે જયશ્રીગીરીએ કાશીમાં મહામંડલેશ્વરની પદવી મેળવી અને ભવનાથ મહાદેવ મંદિરનાં વડા બની ગયાં. પોતાના જન્મદિવસ ૧૬ જાન્યુઆરીએ જ જયશ્રીએ ભવનાથ મંદિરમાં ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું. ૧૫ લાખ રૂપિયાના ખર્ચે ભવ્ય આતશબાજી કરી હતી. સાધ્વીની નીતિરીતિથી નારાજ એક જૈન પ્રતિનિધિમંડળ જૂનાગઢના નેતા જસા બારડને સાથે લઈને સરકાર સાથે મસલત કરીને તખ્તો તૈયાર કર્યો. સાધ્વી જયશ્રીગીરીને માત આપવા સોગઠીઓ ગોઠવી. ૨૬ જાન્યુઆરીએ એમણે પાલનપુરમાંથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને નવેમ્બરમાં સોની પ્રીતેશ શાહે કરેલી ચીટિંગની અરજીને આગળ કરીને એ જ સાંજે જયશ્રીગીરીના નિવાસસ્થાને દરોડા પડ્યા. ૨૪ સોનાનાં બિસ્કિટ, ૧.૨૫ કરોડ રૂપિયા રોકડા અને દારૂની ૨૫ બાટલીઓ પકડાઈ. જયશ્રીનો ખેલ ખતમ કર્યો. ૧૬ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ જયશ્રીગીરીએ ભવનાથ મહાદેવનો કબજો લીધો અને એના બરાબર ૧૦ દિવસ બાદ ૨૬ જાન્યુઆરીએ જયશ્રીગીરીના  નિવાસે દરોડા પડ્યા અને જયશ્રીગીરીને જેલહવાલે કરાયાં.

પાલનપુર ખાતે આવેલા જૂનાગઢ ભવનાથના મહંત અમરગીરીએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, “નાના સંતોને સ્થાન મળે તે માટે અખાડા બનાવવામાં આવતા હોય છે. જોકે, ઉત્તરપ્રદેશથી આવેલા ગુંડાઓ ગુજરાતના પ્રસિદ્ધ ભવનાથ ઉપર કબજો મેળવે તે યોગ્ય નથી.આ સાધુઓ સામે અઢી વર્ષથી હાઇકોર્ટની ડબલ બેચમાં પિટિશન ૮૪૨ ચાલે છે. સાધ્વી જયશ્રીગીરીને પણ સાધુઓ સમર્થન પૂરું પાડી રહ્યા છે. ગુંડાગીરી ઉપર ઊતરી આવી મંદિરો હડપ કરવા માટે હત્યા કરતાં પણ અચકાતા નથી.

સાધ્વી જયશ્રીએ ૩ ગુરુ બદલ્યા છે. એના પહેલા ગુરુ હતા જગદીશગીરી મહારાજ, બીજા પાઇલોટ બાબા અને ત્રીજા ભવનાથ જૂના અખાડાના મહામંત્રી હરિગીરી મહારાજ. કુંભ મેળામાં પૈસાના પ્રદર્શનના જોરે તેમણે સ્ટેટસ વધારવા માટે પાઇલોટ બાબા પાસે દિક્ષા લીધી હતી. હરિગીરી મહારાજની કૃપાથી જયશ્રી ભવનાથ મંદિરનાં ગાદીપતિ બની ગયાં હતાં. પૈસા ફેંક તમાશા દેખમંદિરે તેના કાફલા સાથે દર્શન કરવા જતાં સાધ્વી જયશ્રીગીરી લોકોમાં પોતાનો  વટ પાડવા માટે બહાર બેઠેલા ગરીબોને ૫૦૦- ૫૦૦ની નોટો આપતાં હતાં. આ નોટોઆપતી વખતે સાધ્વી વીડિયોગ્રાફી કરાવતાં અને પોતાનાં પ્રચાર માધ્યમોથી લોકોને મોકલતાં હતાં. સાધ્વીએ પ્રચાર માટે માણસો રાખ્યા હતા. સાધ્વી દક્ષ પરમારની ગોઠવણો પર ભરોસો રાખતાં અને તેના પાસે કામ કરાવતાં. ભવનાથમાં પૈસાના જોરે આધિપત્ય જમાવ્યું હતું. સાધુઓને પ્રભાવમાં લેવામાં પૈસાનો ઉપયોગ કરતાં. જયશ્રીગીરી પોતાની પાસે ૧૦,૨૦, ૫૦, ૧૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટોનાં બંડલ રાખતાં. જયંતિભાઈ કહે છે, “ભવનાથ તળેટીમાં થતા નાનામોટા કાર્યક્રમોમાં તે હાજરી આપતાં અને કલાકારો પર પૈસા ઉડાડતાં અને સાધુઓનું ધ્યાન ખેંચતાં. ભારતીબાપુના આશ્રમમાં યોજાયેલા કીર્તિદાનના કાર્યક્રમમાં જયશ્રીગીરીએ અઢી લાખ રૂપિયા ઉડાડ્યા હતા.” એટલે બધાને થતું કે માતાજી પાસે ઘણા રૂપિયા હશે. અને એ રૂપિયાની લાલચમાં જયશ્રીગીરીની નજીક જતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં સાધ્વી જયશ્રીગીરી પાસે રૂ.૪૦૦ કરોડની સંપત્તિ હોવાનું માનવામાં આવે છે.

 વીડિયો ઓડિયોનો અભ્યાસ  

થોડા સમય પહેલાં સાધ્વી જયશ્રીગીરી દ્વારા આયોજિત કીર્તિદાનના ડાયરાનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોનો અભ્યાસ ઘણી રસપ્રદ માહિતી પૂરી પાડે છે. ડાયરાના સ્થળે કીર્તિદાનના સ્વાગતના દોઢ મિનિટના આ વીડિયોમાં, એકસરખા ગામઠી પહેરવેશમાં કેટલીક રૂપાળી યુવતીઓ કતારમાં રાસડા લેતી આગળ ચાલી રહી છે. તેની પાછળ એક મોટી મૂછોવાળા તેની પાસે રહેલી બેનાળી બંદૂકમાં કારતૂસ ભરીને હવામાં ફાયરિંગ કરે છે. તેની બાજુમાં ચાલી રહેલો ફૂટડો યુવાન ખિસ્સામાંથી નાનકડી રિવોલ્વર કાઢી હવામાં ફાયરિંગ કરે છે. આ બંનેની પાછળ જયશ્રી દબદબાભેર ચાલી રહ્યાં છે અને તેની પાછળ કીર્તિદાન ચાલી રહ્યા છે. ‘અભિયાન’ની ટીમે આ વીડિયોની સ્થાનિક લોકોમાં તપાસ કરાવી તો લોકમુખેથી નીકળેલી વાત કંઈક આવી હતી, રાસડા લેતી અને દેહાતી લાગતી યુવતીઓ મુંબઈથી બોલાવેલી બારગર્લ, કોલગર્લ હતી. કીર્તિદાનના ડાયરા માટે આબુ રોડથી ભારે માત્રામાં દારૂની પેટીઓ ઊતરી હતી. પીવાયો એટલો પીધો અને ૨૪ બાટલી વધ્યો તે સાધ્વીના નિવાસે મૂક્યો જે ૨૬ જાન્યુઆરીએ પોલીસના દરોડા દરમિયાન પકડાયો. ફૂટડો યુવાન બહારના રાજ્યનો અને સાધ્વી માટે કામ કરતો શાર્પશૂટર છે. જયશ્રીની ગેંગમાં આવા ઘણા રિવોલ્વરધારીઓ હોવાનું કહેવાય છે.

સાધ્વી જયશ્રીગીરી સામે ચોટિલાના મહંત નવલગીરી ગોસાઈએ પાલનપુરમાં રૂ.૧.૨૫ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. નવલગીરીના કહેવા મુજબ, ૨૦૧૨ના વર્ષમાં મારા મિત્ર સુભાષભાઇના વડોદરાના ગોરવામાં આવેલી જમીન ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઍક્વાયર કરવામાં આવી હતી ત્યારે જયશ્રીગીરીને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઓળખાણ હોવાથી જયશ્રીગીરીને જમીનનું કામ પાર પાડવા વાત કરી હતી. ત્યારે જયશ્રીગીરીએ આ જમીન ચોખ્ખી કરાવીને આપી દઇશું તેમ કહેલું અને તેઓએ આ કામના એડવાન્સ પેટે રૂપિયા ૧.૨૫ કરોડ લીધા હતા અને હું વચ્ચે જામીન તરીકે હતો. પછી કામ થયું નહીં. આ કેસમાં જયશ્રી અને ચિરાગ પંચાલ સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ્સનો અભ્યાસ કરતા સાધ્વીની કામ કરવાની શૈલીનો પરિચય મળે છે. ફોનમાં કામ નહીં થતા પૈસા પાછા આપવાની વાત થાય છે ત્યારે સાધ્વી પુરુષના મોઢેથી પણ ભાગ્યે જ નીકળતી ગાળો ધાણીફૂટ બોલે છે. ત્યાં સુધી કહે છે કે ત્યાં આવીને ઠપકારીશ.

અલસિગ્રા ૧૦૦નો પાવર!

મુક્તેશ્વર મહાદેવ ટ્રસ્ટ સમિતિ પાસે ૧૫ એકર ખેતીલાયક જમીન છે. આ ટ્રસ્ટના મંત્રી નથુરામ ચૌધરીના કહેવા મુજબ જયશ્રીગીરી  અને ગુંડાઓ દ્વારા ભય ફેલાવતાં હતાં. સાધ્વી જયશ્રી લખી-બોલી ન શકાય એવાં અનૈતિક કાર્યો મઠમાં કરતાં હતાં. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કામોત્તેજના જગાવતી અલસિગ્રા ૧૦૦ જયશ્રીની ફેવરિટ ગોળી હતી. આ ગોળી વિશે તબીબી સૂત્રો પાસેથી માહિતી મેળવતા જાણવા મળ્યું કે આ ગોળી પુરુષમાં પુરુષાતન જગાડે છે અને ૬ કલાક સુધી ઉત્થાન જાળવી રાખે છે. મહેમાનને  દૂધમાં આ ગોળી મેળવીને અપાતી. ચમત્કારિક જડીબુટ્ટીવાળું દૂધ ગણાવીને પિવડાવવામાં આવતું હતું. સૂત્રો કહે છે કે સાધ્વીના ઘેર પોલીસે પાડેલી રેઇડમાં આ ગોળીઓનો પણ જથ્થો મળ્યો હતો પરંતુ રેકર્ડ પર લેવાયો નથી. સાધ્વી મોટા કાર્યક્રમોમાં વીવીઆઈપીને બોલાવતાં અને આ મહેમાનો માટે મુંબઈથી હાઇપ્રોફાઇલ કૉલગર્લ બોલાવવામાં આવતી.

જયશ્રીગીરી વૈભવી જીવન જીવવાનાં ખૂબ જ શોખીન છે. તેમનો મેકઅપ વિદેશથી આવતો હતો. એન્ડેવર જેવી મોંઘી ગાડી  ઉપયોગમાં લે છે. જયંતિભાઈ કહે છે કે, “જિલ્લા પોલીસવડાને મેં મારી નજરે મઠમાં લસણ-ડુંગળી ફોલતા જોયા છે. તો બીજા નાના માણસોની વાત જ ક્યાં કરવી.અધિકારીઓ સાધ્વીના પગે પડતા હોવાથી અનેક નાના પોલીસકર્મીઓ સાધ્વીને ત્યાં ચા બનાવતા હતા અને આવો દેખાડો કરી પોલીસ પણ તેના ખિસ્સાંમાં છે તેમ સાધ્વી દેખાડો કરતાં હતાં.

બનાસકાંઠામાં પઠાણી ઉઘરાણી માટે જાણીતાં એવાં મુક્તેશ્વર મઠનાં જયશ્રીગીરી વિરુદ્ધ હવે લોકો ખૂલીને સામે આવી રહ્યા છે. સાધ્વી પર હત્યા, ખંડણી, લૂંટ, અપહરણ, ધમકી, મારામારી, જાનથી મારી નાખવાની કોશિશ, છેતરપિંડી, હપ્તાખોરી, વ્યાજખોરી વગેરેની ફરિયાદ છે. છેતરપિંડી કેસના સહ આરોપી ચિરાગ રાવલની સ્ટોરી રસપ્રદ છે. ચિરાગની માતાએ પાલનપુરમાં જયશ્રીગીરી સામે ફરિયાદ નોંધાવી છે. ચિરાગે કેસેટના ધંધા માટે જયશ્રી પાસેથી ૬ લાખ રૂપિયા લીધા હતા. ચિરાગ પાસેથી પૈસા પાછા લીધા અને વધુ વ્યાજના પૈસા વસૂલવા ચિરાગનું અપહરણ કરાવ્યું. ઢોરમાર માર્યો. આખરે ચિરાગને જયશ્રીગીરીએ પોતાનો ખાસ સાથીદાર, ડ્રાઇવર બનાવી દીધો. પાલનપુરની ગણેશક્રીમ સોસાયટીમાં રહેતા જયેશ નટવરલાલ મેવાડાએ ત્રણ વર્ષ પહેલાં જયશ્રી પાસેથી સવા લાખ રૂપિયા લીધા હતા. અત્યાર સુધીમાં તેમણે ૮.૫ લાખ રૂપિયા ચૂકવી દીધા છે છતાં સાધ્વીના માણસો વધુ પૈસા ચૂકવવા ધમકીઓ આપતા હતા. સાધ્વીના પૂર્વ પતિ બળદેવગીરીએ પણ છૂટાછેડાના ૫૦ હજાર રૂપિયા આપ્યા અને મહેસાણા જિલ્લો છોડી દેવો પડ્યો હતો.

કુંભના મેળામાં જઇને ત્યાં આવતા વિદેશીઓને પણ પોતાની જાળમાં ફસાવીને મની લોન્ડરિંગના કામ કરતી હોવાનો પણ બારડે ખુલાસો કર્યો છે. ઉઝબેકિસ્તાન અને કઝાખસ્તાનની ગરીબ છોકરીઓને અહીં લાવીને તેમને નશીલા પદાર્થોના રવાડે ચડાવીને કોઇ કેસમાં ફસાવે છે, એટલે તેમના પાસપોર્ટ પણ જમા થઇ જાય છે અને તેમની પાસે પણ ખોટાં કામ કરાવે છે. બારડે જયશ્રીગીરીથી પીડિત લોકોને આગળ આવીને તેમની સાથે થયેલી છેતરપિંડી અંગે પોલીસમાં જાણ કરવા પણ અપીલ કરી છે જેથી કરીને તેનાં કરતૂતોના વધુ પુરાવા મળી શકે.

નિખિલ બ્રહ્મભટ્ટ સાધ્વીના પૂર્વ સેવક છે અને જયશ્રીનાં રહસ્યો જાણી ગયો હતો. એટલે એણે તેનાથી દૂર જવાની કોશિશ કરી હતી, આથી સાધ્વીએ તેને મારી નાખવાની કોશિશ ચાલુ કરી. વિદેશથી આવતો તેનો મોંઘો મેકઅપ અને બહાર ક્યાંય પણ જાય તો રિસોર્ટ કે ફાઇવ સ્ટાર હોટેલોમાં રોકાતી હતી એમ નિખિલનું કહેવું છે. લોકોને વ્યાજે પૈસા આપતી અને જો પૈસા ન ચૂકવી શકે તો બળજબરીથી તેની મિલકતો પડાવી લેતી. આ બધું જાણ્યા પછી સાધ્વીનાં આવાં કુકર્મોમાં સહકાર ન આપવા મન મક્કમ કર્યું. ધર્મમાં ચાલતાં ધતિંગથી તેનો આત્મા દુભાયો હતો. આથી તેણે સાધ્વીથી છૂટા પડવાની વાત કરતાં સાધ્વીએ ફોન પર અને માણસો મોકલી મારી નાખવાની ધમકીઓ આપી હતી એટલે નિખિલે પત્ર દ્વારા પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ આજ દિવસ સુધી પોલીસે કોઈ સચોટ કામગીરી કરી નહીં. અત્યારે નિખિલ સાધ્વીથી બચવા તેના સાળાને ત્યાં તેનાં બાળકો સાથે છુપાઇને રહેવા માંડ્યો હતો. તેને ડર હતો કે સાધ્વીના માણસો તેને અને તેના પરિવારને મારી નાખશે.

પોતાનાં બાળકોના જીવની ચિંતાથી તે શાળાએ પણ મોકલતો ન હતો.

…તો જયશ્રીગીરી મને મારી નાખત

જયંતિભાઈ કહે છે, “ગાંધીનગરની મોટું નેટવર્ક ધરાવતી મુસળ ગેંગ સાથે સાધ્વીનું કનેક્શન છે. એ ગેંગના માણસોને સાથે રાખીને જયશ્રી અપહરણ, ખંડણી અને પઠાણી વ્યાજ ઉઘરાવવાનું કામ કરતાં. જયશ્રી ૧૦ ટકાથી લઈને ૫૦ ટકા સુધીના વ્યાજે પૈસા ફેરવતાં.

જયંતિભાઈ પોતાની આપવીતી જણાવતાં કહે છે, “૨૦૦૮થી હું જયશ્રી સામે સંઘર્ષ કરી રહ્યો છું. મારી ઉપર બે વાર હુમલા પણ થયા છે અને સહેજ માટે બચી ગયો છું. જયંતિભાઈના કહેવા પ્રમાણે હુમલાની વિગતો કંઈક આવી છે. એક વાર બેસતા વર્ષે જયંતિભાઈ વડગામ પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરીને સપરિવાર દર્શનાર્થે મુક્તેશ્વર મહાદેવ ગયા હતા. મંદિર પરિસરમાં બે પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં જયશ્રી અને તેના તે વખતના સાથી રાજન બારડે જયંતિભાઈ પર હુમલો કર્યો. રાજન બારડ ફોર્ડ એન્ડેવર કારમાં પાછળ પડ્યા અને જયશ્રી ખુલ્લી તલવાર લઈને બાઇક ઉપર પાછળ પડી. હું તે વખતે નિજામપુરા ગામમાં સંતાઈ ગયો અને જયશ્રી સામે ગામલોકોને મોટો ઝઘડો થયેલો હોવાથી જયશ્રી ગામમાં આવી શકતી નહોતી. નહીંતર એ દિવસે મારું મર્ડર થઈ જાત. મારા પર હુમલાનો કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો ત્યારે બીજી વાર વાર રસ્તામાં જયશ્રીએ મને ધમકી આપી હતી કે તું ખસી જજે, નહીંતર તને મારી નાખીશ.”

સંસારીમાંથી સાધ્વી બનેલાં એક મહિલા મઠાધીશ અને પછી મહામંડલેશ્વર બની જનારાં સાધ્વી જયશ્રીગીરીનાં આવાં અનેક અપકૃત્યો અને કહેવાતા અપરાધોની કથા આજકાલ મહેસાણા પાલનપુર વડગામ પંથકમાં

ઠેરઠેર ચર્ચાય છે. મીડિયામાં તેમની સામેની કાનૂની કાર્યવાહી વિગતો રોજ આવે છે, પરંતુ કાયદાના જાણકારો વરવી વાસ્તવિકતા જણાવતાં સ્પષ્ટ કહે છે કે ધાકધમકી, છેતરપિંડી, ખંડણી વિદેશી દારૂ, રોકડ નાણંુ કબજે કરવા જેવા અપરાધો સામાન્ય પ્રકારના છે અને દરોડામાં જામીનલાયક આરોપો હોવાથી તેઓ જામીન પર પણ છૂટી જશે. લાપતા બનેલા જગદીશગીરી કે અકસ્માતે આગના હવાલે થયેલા મૌનીબાબાના શંકાસ્પદ મૃત્યુ અંગે સાધ્વી સામે કોઈ પ્રત્યક્ષ કે નક્કર સાંયોગિક પુરાવા પણ ન હોવાથી આ કેસોમાં તેમની સામે કશું પુરવાર થશે કે કેમ એ શંકાસ્પદ છે. સરવાળે સાધ્વી જયશ્રીગીરી સામેની કાનૂની કાર્યવાહીનો અંજામ શું હશે એ તેમની સામેના ફરિયાદીઓની હિંમત, નિષ્ઠા અને દૃઢતા પર અવલંબે છે, પરંતુ આ સમગ્ર ઘટનાક્રમમાં સમાજ માટે એક મોટો બોધપાઠ રહેલો છે. ભગવાં વસ્ત્ર ધારણ કરનારાઓ પર પણ આસ્થા રાખતાં પહેલાં આગવી સૂઝથી કસોટી કરી વાસ્તવિકતાની પહેચાન કરી લેવી આવશ્યક અને અનિવાર્ય છે.

જયશ્રીગીરીના વિવાદનું મૂળ જૂનાગઢમાં !
કોઈ સાધુસમાજને ન શોભે તેવા મુક્તેશ્વર મઠનાં જયશ્રીગીરીનું જે પ્રકરણ બહાર આવ્યંુ છે તેના મૂળમાં જૂનાગઢ હોવાનું કહેવાય છે. ગરવા ગિરનારની ગોદમાં આવેલું ભવનાથ મંદિર  હજારો વર્ષ જૂનું અને કરોડો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે. હાલ જયશ્રીગીરીનું પ્રકરણ બહાર આવ્યુ તેનાં મૂળમાં પણ જૂનાગઢના આ મંદિર પર  કબજો જમાવવાની બાબત કારણભૂત હોવાની ચર્ચા થઈ રહી છે.

ભવનાથ મંદિરનો કબજો કલેક્ટરે લઈ લીધો

સાધુસમાજને લાંછન લગાડતું સાધ્વી જયશ્રીગીરીનું પ્રકરણ બહાર એવા સમયે  આવ્યું છે કે જૂનાગઢમાં પ્રસિદ્ધ શિવરાત્રિના મેળાની તૈયારી થઈ રહી છે. તા. ર૪ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે. તા. ર૦ મીએ ધ્વજારોહણ સાથે જ પાંચ દિવસનો મેળો યોજાશે. જયશ્રીગીરીના પ્રકરણના ઘેરા પ્રત્યાઘાત જૂનાગઢના સાધુસમાજ પર પડ્યા છે. આક્ષેપો-પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે તેની કોઈ અસર જૂનાગઢના મેળા પર ન પડે તે માટે જૂનાગઢ કલેક્ટરે ભવનાથ મંદિરનો વહીવટ તા. ૬થી ર૮ ફેબ્રુઆરી સુધી કલેક્ટર હસ્તક લઈ લેવાનો હુકમ કર્યો છે. ડેપ્યુટી કલેક્ટર રાજેશ આલને મંદિરના વહીવટદાર તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો છે.

જૂનાગઢના ભવનાથ મંદિરનો કબજો સંભાળવામાં સાધુ-સંતો વચ્ચે સ્પર્ધા એ કોઈ નવી વાત નથી. અગાઉ પણ સાધુ-સંતો વચ્ચે આ મહત્ત્વના મંદિરની ગાદી પર કબજો લેવા માટે અનેક વખત કાવાદાવા થયા છે. અદાલતો સુધી મામલા પહોંચ્યા છે. હાલ પણ શિવરાત્રિના મેળાના સમયે જ મંદિરનાગાદીપતિનો મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. ભવનાથ મંદિરના ગાદીપતિના મામલે અમરગીરી બાપુ હાઈકોર્ટમાં ગયા છે. હાલ આ મામલો સબ જ્યુડિશ છે.

મહામંડલેશ્વરના પદ પરથી નિલંબિત કરાયાં

જૂનાગઢ ભારતી આશ્રમના વડા અને જૂના અખાડાના વરિષ્ઠ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સાધુ સમાજની સંમતિથી જ કલેક્ટરે ભવનાથ મંદિરનો વહીવટ લેવાનો હુકમ કર્યો છે. હાલ સાધ્વી જયશ્રીગીરીનું પ્રકરણ બહાર આવ્યું છે તેના કારણે જૂનાગઢનું વાતાવરણ ડહોળાયું છે તેનો ઈનકાર કરી શકાય નહીં. શિવરાત્રિના મેળા પર આ વિવાદની કોઈ અસર ન પડે તે માટે કલેક્ટરે સાધુ સમાજની સંમતિથી ભવનાથ મંદિરમાં વહીવટદારની નિમણૂક કરી છે. તેઓ મંદિરનો માત્ર હિસાબ-કિતાબ જોશે જ્યારે હાલ ભવનાથ મંદિરના પ્રબંધક તરીકે હું કાર્યરત છું.

ભારતીબાપુ કહે છે કે, “જયશ્રીગીરીનું પ્રકરણ બહાર આવ્યા બાદ જૂના અખાડાના વરિષ્ઠ સંતોની હરિદ્વારમાં એક ખાસ બેઠક મળી હતી. આ બેઠકમાં જયશ્રીગીરીને મહામંડલેશ્વરની જે પદવી આપવામાં આવી હતી તે પદ પરથી નિલંબિત કરવામાં આવ્યાં છે અને હવે કોર્ટમાં હાલ આ પ્રકરણ ગયું છે તેમને જો સજા થશે તો અખાડાના નિયમો મુજબ હટાવવામાં આવશે. હું એવું ચોક્કસ માનું છું કે જયશ્રીગીરીના જે વિવાદો બહાર આવ્યા છે તેના છાંટા જૂનાગઢના સાધુ સમાજને ઊડ્યા છે. સાધુસંતોએ સમાજની શ્રદ્ધા ટકી રહે તે રીતે મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ.”

ભવનાથ ગુરુ-શિષ્ય પરંપરાની ગાદી છે

અગાઉ એક વર્ષ સુધી ભવનાથ મંદિરના મહંત રહી ચૂકેલા અને હાલ ગિરનાર પરના અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ ‘અભિયાન’ સાથેની વાતચીતમાં એવો ખુલાસો કર્યો હતો કે ભવનાથ મંદિર એ કોઈ અખાડાનું મંદિર નથી પણ હજાર વર્ષ જૂની ભીડભંજન ગુરુ-શિષ્ય પરંપરાની ગાદી છે. આ પરંપરા મુજબ જ તેના ગાદીપતિની નિમણૂક થવી જોઈએ એવી અમારી માગણી સરકારી તંત્ર પાસે છે. આ ગુરુ પરંપરાનો હું ર૭મા મહંત તરીકે કામ કરી રહ્યો છું. સાધ્વી જયશ્રીગીરીના બહાર આવેલા વિવાદ અંગે તનસુખગીરી બાપુ કહે છે કે, “ભવનાથ મંદિરમા શૈલજાગીરી પ્રબંધકપદે આવ્યાં બાદ તેને હટાવીને જયશ્રીગીરી આવ્યાં હતાં. થોડા દિવસો તેઓ રહ્યાં ત્યાં તેમને લઈને વિવાદો બહાર આવતા તેમને પણ હટાવાયાં છે. હાલ આ આખો મામલો કોર્ટ મેટર થઈ ગયો છે. તેઓ કહે છે વારંવાર સાધુ સમાજનાં કલંકિત પ્રકરણો બહાર આવે છે તેનાથી સાધુ-સંતોની છબિ ખરડાઈ રહી છે. સમાજની શ્રદ્ધા ઘટી રહી છે. આવંુ ન થાય તે માટે ખુદ સાધુ-સંતોએ તેમના વ્યવહાર સુધારવા જોઈએ. હું તો ત્યાં સુધી કહીશ કે સાધુ સંતોએ માત્ર સેવાપૂજામાં ધ્યાન આપવું જોઈએ હાઈફાઈ સુવિધાઓથી દૂર રહેવું જોઈએ, કારણ કે ઝઘડાઓનું મૂળ એ જ બને છે! ”

ગિરનાર પર દત્તાત્રેયની ટુંકનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો

જયશ્રીગીરીના પ્રકરણની સાથે ગિરનાર પર્વત પર આવેલી દત્તાત્રેય ટુંકનો વિવાદ પણ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. ખુદ જયશ્રીગીરીએ જૈન સમાજના આગેવાનો પર તેમને ફસાવવાનો આક્ષેપ કર્યો હતો. સાધુ સમાજના આગેવાન અને અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ કહે છે કે, આ વિવાદનો હવે કોઈ અર્થ નથી, કારણ કે તેનો ચુકાદો ૧૯૩૧માં આવી ગયો હતો. પર્વત પર આવેલી દતાત્રેય ટુંક પર જે પગલાં છે તે કેટલાક જૈન લોકો એમ માને છે કે તે નેમિનાથ ભગવાનનાં ચરણો છે જ્યારે સાધુ સમાજ જ નહીં સમગ્ર હિન્દુ સમાજ એમ માને છે કે એ દત્તાત્રેય ભગવાનનાં પગલાં છે. ૧૯ર૮માં આ મામલો કોર્ટમાં ગયો હતો અને ૧૯૩૧માં કોર્ટે એવું તારણ આપ્યું હતું કે ગિરનાર પર્વત પરની એ ટુંક પર દત્તાત્રેય ભગવાનનાં પગલાં છે. કોર્ટના આ તારણ બાદ અમે માનીએ છીએ કે વિવાદ પરપૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

– દેવેન્દ્ર જાની
http://sambhaavnews.com/

You might also like