સાધ્વી જયશ્રીગીરી મંદિરનાં ટ્રસ્ટી નહી હોવાનો દાવો

728_90

અમદાવાદ : પાલનપુરના મુક્તેશ્વર મઠનાં મહામંડળેશ્વર સાધ્વી જયશ્રીગીરીના ઘરે દરોડામાં સવા કરોડ રોકડા અને અઢી કિલો સોનું મળી આવ્યું અને જયશ્રીગીરીને જેલહવાલે કરાયાં તે પછી ગત અઠવાડિયા સુધી સાધ્વી ઉપર રાજ્યભરમાં અલગઅલગ સ્થળે કુલ ૮ ફરિયાદો નોંધાઈ હતી.

જે રીતે એક પછી એક સાધ્વીપીડિતો બહાર આવી રહ્યા હતા એ જોતાં લાગતું હતું કે બહુ જલદી સાધ્વી સામેની ફરિયાદનો આંકડો ડઝન-બે ડઝનને પાર કરી જશે. થયું પણ એમ જ. એ જ દિવસે પાલનપુરમાં ઊંચા વ્યાજે નાણાં વસૂલાતની મુંબઇના ફરિયાદીની ફરિયાદના આધારે સાધ્વીના ડ્રાઇવર ચિરાગ રાવલની સોમવારે પોલીસે ધરપકડ કરી હતી.

૫૧ વર્ષીય ફરિયાદી શશિકાન્ત જોષીએ આ ફરિયાદમાં જણાવ્યું હતું કે સાધ્વી જયશ્રીગીરી તેના સાગરીતો ગાંધીનગરનો ધર્મેન્દ્રસિંહ ચાવડા, અમદાવાદનો દક્ષ પરમાર, ગાંધીનગરનો કાળુ ઉર્ફે બાબુ, પાલનપુરનો ચિરાગ અને બાદલ દેસાઇની મદદગીરીથી ઊંચા વ્યાજે નાણાંની વસૂલાત કરી હતી તેમજ સ્કોર્પિયો હડપ કરી લીધી હતી. ૭ ફેબ્રુઆરીએ ચિરાગના ત્રણ દી’ના રિમાન્ડ દરમિયાન સ્કોર્પિયો કબજે લઈ મંગળવારે ફરી કોર્ટમાં રજૂ કરાતાં વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

દરમિયાન સાધ્વી જયશ્રીગીરી ને પીડિત વ્યક્તિઓ વચ્ચે મોબાઇલ ઉપર થયેલી વાતચીતની ક્લિપો પણ વાઇરલ થઇ રહી છે. ગત ૬ ફેબ્રુઆરીએ બહાર આવેલી ઓડિયો ક્લીપમાં એક પીડિત વ્યક્તિ સાથે થયેલી વાતચીતમાં સાધ્વી બીભત્સ વાક્યો ઉચ્ચારી વ્યાજનાં નાણાંની પઠાણી ઉઘરાણી કરતાં સાંભળવા મળે છે. આ ઓડિયો ક્લિપમાં સાધ્વીએ ૮ મિનિટમાં ૬૬ ગાળો ભાંડી છે.

આ પીડિત દ્વારા પણ સાધ્વી સામે ફરિયાદ નોંધાવવાની શક્યતાઓ ઊભી થઈ. બનાસકાંઠાના પોલીસ વડા નીરજ બડગુજરે કહ્યું હતું કે જો ફરિયાદી આવશે તો કાર્યવાહી કરાશે.પાલનપુરના જ્વેલર્સ વેપારી પ્રીતેશભાઈ શાહને ‘ફરિયાદ પાછી ખેંચી લો નહીંતર મરી જશો’ એમ કહીને બે અજાણ્યાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે વેપારીએ જિલ્લા પોલીસવડાને રજૂઆત કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી. આ જ દિવસે મોડી રાત્રે વધુ એક ફરિયાદ નોંધાઈ જેમાં પાલનપુરના કાન્તિભાઇ પટેલે સાધ્વી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે સાધ્વીએ રૂપિયા બે લાખ અઢી ટકાના વ્યાજે આપ્યા હતા. જે બાર માસમાં ચૂકતે કર્યા હતા છતાં ૧૦ ટકા લેખે વધુ માગ કરી હતી.

પાલનપુર માનસરોવર વિસ્તારમાં રહેતાં ગીતાબહેન જોશીએ ૮ ફેબ્રુઆરીએ જોરાવર પેલેસમાં જિલ્લા પોલીસવડાની કચેરીમાં રડતાં-રડતાં સાધ્વી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ પ્રમાણે તેને કૉલેજ કમ્પાઉન્ડના ફલેટમાં પૂરી માર પણ માર્યો હતો. ચિરાગે મહિલાને ગોળીએ દેવાની ધમકી આપી હતી.

૧૨ ફેબ્રુઆરીએ વડગામ તાલુકા કોર્ટે કીર્તિદાનના ડાયરામાં થયેલા ફાયરિંગની વાઇરલ થયેલી વીડિયો ક્લિપના આધારે થયેલા કેસમાં સાધ્વીને આર્મ્સ એક્ટ હેઠળ ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ૧૪ ફેબ્રુઆરીએ સવા કરોડ રૂપિયાના ચીટિંગના કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે સાધ્વીની આગોતરા જામીનઅરજી નામંજૂર કરી હતી. અત્યાર સુધીમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં સાધ્વી સામે કુલ ૧૮ ગુનાઓ નોંધાયા છે.

મુક્તેશ્વર ટ્રસ્ટમાં સાધ્વીનું નામ જ નથી
૭ ફેબ્રુઆરીએ ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલાં સાધ્વી જયશ્રીગીરી સહિત તમામ ટ્રસ્ટીઓની મુક્તેશ્વર ટ્રસ્ટ, મુક્તેશ્વર મહાદેવ ટ્રસ્ટમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. ચેરિટી કમિશનર દ્વારા લેવામાં આવેલી સુઓમોટો અરજી બાદ બંને ટ્રસ્ટની કામગીરી ચેરિટી કમિશનરે પોતાના હસ્તક લઇ લીધી છે.

૨૦૦ વીઘા જમીન સહિત મોટી રકમનો વહીવટ ધરાવતા બંને ટ્રસ્ટોમાં હિસાબ પણ રાખવામાં નહીં આવતો હોવાનું સ્પષ્ટ થતાં આ પગલું ભરવામાં આવ્યું હતું. વડગામના મુક્તેશ્વર મહાદેવ મઠના ટ્રસ્ટનો વહીવટ આખરે સરકારે લેતાં ૯ ફેબ્રુઆરીએ પાલનપુર ચેરિટી કમિશનર કચેરીના આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર અને ચેરિટી ઇન્સ્પેક્ટરે મઠ પરિસરનું પંચનામું કરી વહીવટ સંભાળ્યો હતો.

૧૯૫૫માં નોંધાયેલા મુક્તેશ્વર મહાદેવ મઠ ટ્રસ્ટમાં સાધ્વી કે તેમના ગુરુ જગદીશગીરીનું ટ્રસ્ટી તરીકે નામ જ નથી. જગદીશગીરીને ટ્રસ્ટે પૂજારી તરીકે રાખ્યા હતા તેમજ આ ટ્રસ્ટમાં કુલ આઠ ટ્રસ્ટીઓ હતા. જેમાંથી ત્રણ ટ્રસ્ટીઓનું નિધન થયું છે.

You might also like
728_90