સાધ્વી જયશ્રીગીરીને ત્યાં દરોડોઃ સવા કરોડ રોકડા, ર.પ કિલો સોનું અને બે પેટી દારૂ મળતાં ચકચાર

અમદાવાદ: પાલનપુર નજીક આવેલા વડગામના મુક્તેશ્વર મઠના મહામંડલેશ્વર સાધ્વી જયશ્રીગીરીના આશ્રમમાં પોલીસે દરોડો પાડતા રૂ. ૧.રપ કરોડ રોકડા, ર.પ કિલો સોનું અને બે પેટી વિદેશી દારૂની મળી આવતાં આ ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી સાધ્વીની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે વડગામમાં ન્યુ જ્વેલર્સ નામનો ઘરેણાંનો શો રૂમ ધરાવતા વેપારી પાસેથી સાધ્વી જયશ્રીગીરીએ રૂ.પ કરોડનું સોનું ખરીદ્યું હતું.

આટલી મોટી કિંમતનું સોનું ખરીદ્યા બાદ જ્યારે વેપારીએ સાધ્વી પાસે પૈસાની માગણી કરતાં સાધ્વીએ ગલ્લાંતલ્લાં કરી રૂપિયા આપ્યા ન હતા. વારંવારની ઉઘરાણી છતાં પોતાની રકમ ન મળતાં સોની વેપારીએ છેવટે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી ગઇ કાલે સાંજે વડગામ ખાતે આવેલા મુક્તેશ્વર મઠના મહામંડલેશ્વર સાધ્વી જયશ્રીગીરીને ત્યાં છાપો માર્યો હતો. આશ્રમ પર પોલીસ ત્રાટકતાં લોકોનાં ટોળેટોળાં ભેગા થયાં હતાં. પોલીસે દરોડા દરમ્યાન આશ્રમમાંથી રૂ.૧.રપ કરોડ રોકડા, ર.પ કિલો સોનું અને બે પેટી વિદેશી દારૂની કબજે કરી સાધ્વી જયશ્રીગીરીની ધરપકડ કરી હતી. જે સોનું પોલીસે આશ્રમમાંથી કબજે કર્યું છે તેમાં ૧૦૦, ૧૦૦ ગ્રામના સોનાનાં બિસ્કિટો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા વખત અગાઉ આશ્રમમાં ચૌલક્રિયાના પ્રસંગ વખતે યોજાયેલા કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં પણ સાધ્વીએ લાખો રૂપિયા ઉડાવ્યા હતા. સાધ્વી જયશ્રીગીરીએ આટલી મોટી રકમ ક્યાંથી મેળવી તેમજ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો તે અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે અને આશ્રમમાં રહેતા અન્ય લોકોની પણ પૂછપરછ ચાલુ રાખી છે.

http://sambhaavnews.com/

You might also like