ઉજ્જૈન સિંહસ્થમાં વરસાદી તોફાન : 5નાં મોત 50થી વધુ ઘાયલ

ઉજ્જૈન : મધ્ય પ્રદેશનાં ઉજ્જૈનમાં ચાલી રહેલા સિંહસ્થમાં વરસાદ અને વાવાઝોડાનું વિધ્ન આવ્યું છે. અચાનક થયેલા તોફાન અને વરસાદનાં કારણે એક સાધુ તથા 4 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. તોફાનની ઝપટે ચડવાનાં કારણે લગભગ 20થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દુર્ઘટના બાદ સરકાર દ્વારા ઝડપી રાહત અને બચાવ કાર્યારંભ પણ કરી દેવાયો છે. સરકાર દ્વારા પ્રશંસનીય રીતે આ સંપુર્ણ ઘટના પર કાબુ મેળવી લેવાયો છે.

શરૂઆતી જાણકારી અનુસાર તોફાનનાં કારણે સિંહસ્થ મેળામાં લગાવાયેલા કેટલાય તંબુ પડી ભાંગ્યા હતા. અચાનક તંબુઓ પડી જવાનાં કારણે અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયા છે. જો કે અધિકારીક રીતે 5 લોકોનાં મૃત્યુની પૃષ્ટિ થઇ છે પરંતુ બિનઅધિકારીક રીતે ઘણા લોકોનાં મોત થયા હોવાનાં અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. જો કે હજી સુધી આ અહેવાલોને કોઇ પૃષ્ટી મળી નથી.

ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. પોલીસનાં અનુસાર શ્રદ્ધાળુઓ પંડાળમાં આરામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક આવેલા તોફાનનાં કારણે સમગ્ર મંડપ પડ્યો હતો જેમાં આ શ્રદ્ધાળુઓનાં મોત નિપજ્યા હતા. ઘટના સ્થળ પર રહેલા પોલીસ અધિકારી સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે પંડાલની નીચે બે વાહનો પણ દબાયા હતા. રાહત અને બચાવ કાર્ય હાલ ચાલુ કરી દેવાયું છે. ઉપરાંત એનડીઆરએફની ટીમને પણ બોલાવી લેવાઇ છે. વરસાદનું પાણી પણ મોટા ભાગનાં મંડપોમાં ફેલાઇ ચુક્યું છે.

વરસાદ અને તોફાનનાં કારણે ભારે અફડા તફડી મચી ગઇ છે. મોટા પ્રમાણમાં લોકો અહીંતહીં ભાગતા જોવા મળી રહ્યા છે. ત્યારે રસ્તા પર પાણી ભરાઇ જવાનાં કારણે શ્રદ્ધાળુઓ બહાર આવવા જવામાં પણ તકલીફ પડી રહી છે. ઉલ્લેખનીય છે કે વાતાવરણ વિભાગ દ્વારા બુધવારે જ વરસાદ અને તોફાન અંગેનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ દુર્ઘટના બની તેથી આ એકપ્રકારે તંત્રની બેજવાબદારી જ લેખાવી શકાય.

You might also like