સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉત્તમ ભાગવત પરમહંસોમાં સદ્દગુરૂ સ્વામી સ્વરૂપાનંદજીનું નામ મોખરે

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉત્તમ ભાગવત પરમહંસોમાં સદ્દગુરૂ સ્વામી સ્વરૂપાનંદજીનું નામ મોખરે છે.
એક વાર ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપુરમાં સંતો-ભક્તોની સભા ભરીને બિરાજમાન હતા.
એમણે સ્વરૂપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને આનંદસ્વામી આ ત્રણેય સંતોને પૂછ્યું, “તમે ધ્યાન કરવા બેસો છો ત્યારે તો અમારી મૂર્તિમાં મન સ્થિર રાખો છો, પરંતુ અમે તમને વ્યવહારિક ક્રિયા કરવાની આજ્ઞા કરીએ ત્યારે તમે ક્રિયા કરતાં કરતાં અમારી મૂર્તિમાં વૃત્તિ કેવી રીતે રાખો છો ?”
આનંદ સ્વામીએ ઉત્તર આપ્યો, “મહારાજ ! હું તો તમે જેમ કહો તેમ કરું, એ સિવાય બીજી મને ખબર ન પડે.”
મહારાજે મુક્તાનંદસ્વામીને પૂછ્યું, “સ્વામી! તમે કેમ કરો છો ?”
મુક્તાનંદ સ્વામીએ લૂતાતંતુન્યાય અથવા કૂર્મન્યાયથી ઉત્તર કર્યો, “મહારાજ ! હું તો વ્યવહારિક ‌ક્રિયા કરવા માટે એ વેંત વૃત્તિ બહાર કાઢું અને ક્રિયા પૂરી થઇ જાય પછી એક હાથ સંકેલું ત્યારે નિરાંત થાય.”
સંસ્કૃત ભાષામાં “લૂતા” શબ્દનો અર્થ કરોળિયો થાય છે. કરોળિયો જરૂર પડે ત્યારે પોતાના મુખમાંથી લાળ વિસ્તારે છે અને જરૂરિયાત પૂરી થઇ જાય, ત્યારે લાળને પાછી ખેંચી લે છે.”
કૂર્મ એટલે કાચબો. કાચબો પણ જરૂર પડે ત્યારે પોતાના અવયવો પ્રસારે છે અને કામ પૂૂરું થાય ત્યારે પાછા સંકોચી લે છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતાજીમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો જણાવતી વખતે કાચબાનું દૃષ્ટાંત આપેલું છે.
સામાન્ય જીવને તો આ વૃત્તિ બહાર કાઢવી અને સંકેલવાની વાત જ સમજાય તેમ નથી ! વૃત્તિ કાંઇ દોરાનો દડિયો નથી કે તમે ધારો ત્યારે લાંબો કરો અને ધારો ત્યારે સંકેલી લો.
અષ્ટાંગ યોગના પ્રત્યાહારનો અભ્યાસ કરતો હોય એને જ આ વાત સમજાય એવી છે. વૃત્તિના સંકોચ-વિકાસને સમજવા માટે મનુષ્યનો એક અનુભવ કામમાં આવે તેવો છે. માણસ જ્યારે સૂવે છે ત્યારે એના મનની વૃત્તિનો સંબંધ બાહ્યજગતથી તૂટીને સ્વપ્નજગતમાં કેન્દ્રિત થાય છે.
એ જ માણસ જ્યારે સુષુ‌િપ્તમાં એટલે કે ગાઢ નિદ્રામાં જાય છે, ત્યારે સ્વપ્નનાં સૂક્ષ્મ જગતથી પણ એની વૃત્તિ પાછી વળીને હૃદયમાં સ્થિર થાય છે, પછી એને દેશ કાળ કે દેહનું કોઇ ભાન રહેતું નથી.
આ રીતે જીવ સુષુપ્તિમાં જાય છે, ત્યારે એની વૃત્તિ પાછી વળે છે અને જાગે છે ત્યારે વૃત્તિનો ફરીથી વિસ્તાર થાય છે. એ જ રીતે પરમહંસો સમાધિમાં જાય છે, ત્યારે એમની વૃત્તિ પરમાત્માનાં સ્વરૂપમાં સ્થિર થાય છે અને સમાધિ પૂરી થતાં વૃત્તિ પાછી દેહમાં આવે છે. મુક્તાનંદ સ્વામીના ઉત્તરમાં આ મર્મ સમાયેલો હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું, “સ્વામી ! તમે કેમ કરો છો ?”
સ્વરૂપાનંદ સ્વામીઅે કહ્યું, “ગુરુ મહારાજ! યે ક્યા ભીતર-બાહર કી બાત હો રહી હૈ, મુજે તો બાહર-ભીતર ચારોંં ઓર તુમ હિ તુમ દિખાઇ દેતે હો !”
સ્વામીનો ઉત્તર સાંભળી મહારાજ અત્યંત પ્રસન્ન થયા અને મંદ મંદ હસવા લાગ્યા. સભામાં ઘણાંને સંશય થયો કે, “સ્વામીને મહારાજ સિવાય કાંઇ દેખાતું નથી, તો દેહની ક્રિયા કેમ કરતા હશે ?”
અંતર્યામી મહારાજે આ પ્રશ્નનું સમાધાન કરતા કહ્યું, “જેને આવી અદ્ભુત સ્થિતિનો અનુભવ ન હોય એનાથી આ વાત મનાય તેમ નથી. લ્યો અમે સ્વામીની સ્થિતિને દૃષ્ટાંતથી સમજાવીએ.”
“જેમ તીરની અણીમાં લીંબું ખોસ્યું હોય અને તીરનો ફેંકનારો જે બાજુ નિશાન લે, એ બાજુ નિશાનને બદલે લીંબુ જ દેખાય; એમ સ્વરૂપાનંદ સ્વામીએ પોતાના મનની વૃત્તિમાં અમને પરોવી દીધાં છે, એટલે એમને અમારી મ‌ૂર્તિ સિવાય જીગ-જગત કાંઇ દેખાતું નથી !”
“સ્વામીની સ્થિતિ તો મુક્તાનંદસ્વામીએ કીર્તનમાં કહ્યું છે, “જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે” એવી છે. સ્વામીના રોમેરોમમાં અમારો વાસ છે. સ્વામીનું કર્તાપણું સર્વથા નાશ પામ્યું છે. એમની બધી જ ક્રિયાઓ એમનામાં રહીને અમે કરીએ છીએ !”
આટલું કહી મહારાજ બોલ્યા, “આનંદ સ્વામી ! તમારે તમારી કાચ્યપ ટાળવા મુકતાનંદસ્વામીનો સમાગમ કરવો અને મુક્તમુનિ ! તમારે તમારી કાચ્યપ ટાળવા માટે સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવો.”
શાસ્રી માધવપ્રિયદાસજી
એસ.જી.વી.પી., ગુરુકુળ, છારોડી
http://sambhaavnews.com/

You might also like