બ્રહ્માંડની દરેક હલચલમાં સદાશિવ શંકરની હાજરી

પૌરાણિક કથાઓમાં અનેક એવા દાખલા છે જેમાં ભગવાન શંકરે દૈત્યોને પણ વરદાન આપ્યું અને દેવોને પણ વરદાન આપ્યું! ભગવાન એને તો કહેવાય! પૃથ્વી વેરાન હતી તો મહાદેવે કામદેવને કામસ્વરૂપ આપીને એક અનેરો પ્રાણ ફૂંક્યો! પૃથ્વી એક અત્યંત રૂગ્ણ સમયમાંથી પસાર થતી હતી ત્યાં પ્રેમ તત્વ તરીખે કૃષ્ણનો જન્મ થયો ત્યારે પણ ઊંડી સમાધિમાંથી ઉઠીને શિવ એક સાધુ સ્વરૂપે આશિષ દેવા પધાર્યા!

સમુદ્ર મંથનનું વિજ્ઞાન શું હશે એ તો શિવ જાણે પણ ત્યારેય અચાનક પ્રગટ થઇ ને તુરંત સૃષ્ટિનું અત્યંત ખતરનાક ઝેર એક ઘુંટડે પી ગયા અને દેવોએ ફક્ત નીલકંઠ નામ આપી દીધું. અસ્તિત્વ પોતાના હોવાપણામાં છે. અત્યંત ઊંડી સમાધિમાં છતાંય એનાથી કશું બાકાત નથી. એક પાંદડું પણ એની મરજી વિના હાલતું નથી.

શિવને પંચમુખી અને દશભુજા યુક્ત માનવામાં આવે છે. શિવનાં પશ્ચિમ મુખનું પૂજન પૃથ્વી તત્ત્વનાં રૂપમાં કરવામાં આવે છે. તેમનાં ઉત્તર મુખનું પૂજન જળ તત્ત્વનાં રૂપમાં. દક્ષિણ મુખનું તેજસ તત્ત્વનાં રૂપમાં અને પૂર્વ મુખનું વાયુ તત્ત્વનાં રૂપમાં કરવામાં આવે છે.

ભગવાન શિવના ઉર્ધ્વમુખનું પૂજન આકાશ તત્ત્વનાં રૂપમાં કરવામાં આવે છે આ પાંચ તત્ત્વનું નિર્માણ ભગવાન સદાશિવ દ્વારા જ થયું છે. આ પાંચ તત્ત્વથી સંપૂર્ણ ચરાચર જગતનુ નિર્માણ થયું છે. ત્યારે જ તો ભવરાજ પુષ્પદંત મહિમ્નમાં કહે છે – હે સદાશિવ તમારી શક્તિથી જ આ સંપૂર્ણ સંસસર ચર-અચરનું નિર્માણ થયું છે.

આ જ રીતે એ સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાન શિવ ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના દૃષ્ટા છે. નિર્માણ, રક્ષણ અને સંહારણ કાર્યોના કર્તા હોવાને કારણે તેમને જ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર કહેવામાં આવ્યા છે. શિવની મહિમા વાણીનો વિષય નથી. મનનો વિષય પણ નથી. તે બધા બ્રહ્માંડમાં તદ્રુપ થઈને વિદ્યમાન થવાથી સદા શ્વાસ-પ્રશ્વાસમાં અનુભૂત થતા રહે છે. આ જ કારણે ઈશ્વરનાં સ્વરૂપને અનુભવ અને આનંદની સંજ્ઞા આપવામાં આવી છે.

ભગવાન શિવને અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમાં ત્રિનેત્ર. જટાધર. ગંગાધર. મહાકાલ. કાલ. નક્ષત્રસાધક. જ્યોતિષમયા. ત્રિકાલધૂપ. શત્રુહંતા વગેરે અનેક નામ છે.

ભગવાન શિવનું એક નમ શત્રુહંતા પણ છે. જેનો અર્થ છે તમારી અંદરના શત્રુ ભાવને સમાપ્ત કરવો. અનેક કથાઓમાં આપણે જોઈએ છીએ કે જ્યારે બ્રહ્માંડ પર કોઈ પણ વિપત્તિ આવી. બધા દેવતા શિવની પાસે ગયા. ભલે સમુદ્રમંથનથી નીકળનારું ઝેર હોય કે ત્રિપુરાસુરના આતંક કે આપતદૈત્યનો કોલાહલ.

આ કારણે ભગવાન શિવ પરિવારના બધાં વાહન શત્રુ ભાવ ત્યાગીને પરસ્પર મૈત્રીભાવથી રહે છે. શિવજીનુ વાહન નંદિ, પાર્વતીનું વાહન સિંહ, ભગવાનના ગળાનો સર્પ કાર્તિકેયનું વાહન મયૂર, ગણેશનુ ઉંદર બધા પરસ્પર પ્રેમ અને સહયોગના ભાવથી રહે છે.

શિવને ત્રિનેત્ર કહેવામાં આવ્યા છે. શિવના વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે. વધુ ન કહેતા એટલુ જ કહેવું પૂરતું રહેશે કે શિવ ફક્ત નામ જ નથી પણ સંપૂર્ણ બ્રહ્માંડની દરેક હલચલમાં ભગવાન સદાશિવના સર્વવ્યાપી સ્વરૂપનાં જ દર્શન થાય છે.

You might also like