તેંડુલકરે કહ્યું સચીન માત્ર એક જ છે બીજો નહીં જન્મે

મુંબઈ: સચીન તેંડુલકરે જૂનમાં શરૂ થતી અાઈસીસી ચેમ્પિયન ટ્રોફી પહેલા ભારતીય ટીમને શુભેચ્છાઅો અાપી. તેણે એમ પણ કહ્યું કે સચીન એક જ છે અને ફરી કોઈ સચીન નહીં થાય. ટીમ ઇન્ડિયાને સલાહ અાપતાં સચીને કહ્યું કે ટીમના તમામ ખેલાડીઅોઅે એક થઈને પ્રદર્શન કરવું જોઈઅે અને કોઈ એક ખેલાડીના ભરોસે ન રહેવું જોઈઅે. સચીનને જ્યારે પૂછવામાં અાવ્યું કે શું ક્રિકેટ જગતને ફરી એના જેવો કોઈ ખેલાડી મળશે. તેના જવાબમાં માસ્ટર બ્લાસ્ટરે કહ્યું કે હું માનું છું કે કોઈ બીજો સચીન તેંડુલકર ક્રિકેટમાં અાવી નહીં શકે. તે કોઈ બીજી વ્યક્તિ હોઈ શકે પરંતુ સચીન માત્ર એક જ છે.
અા દિગ્ગજ ખેલાડીઅે એમ પણ કહ્યું કે હું માનું છું કે કોઈ પણ ટ્રોફી ટીમ જીતે છે તેનો ખેલાડી નહીં. જો તમે ૨૦૧૧ના વર્લ્ડકપને જુઅો તો તમને ખ્યાલ અાવશે કે અા કોઈ ટીમની જીત હતી. ખેલાડીની નહીં.

સચીને ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ એકવાર ફરી ભારત લાવવાની અાશા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે ટીમ અા માટે સક્ષમ છે અને ખિતાબની દાવેદાર પણ છે. વર્ષ ૨૦૧૩માં ઇંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન ટ્રોફી પર કબજો મેળવ્યો હતો. અા પહેલો કબજો હતો જ્યારે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન ટ્રોફી જીતવામાં સફળ રહી હતી.

પોતાની અાવનારી બાયોપિક ‘સચીન અ બિલિયન ડ્રીમ્સ’ અંગે વાત કરતાં તેંડુલકરે કહ્યું કે અા ફિલ્મમાં લોકોને મારી કેટલીક અજાણી વાતો પણ જાણવા મળશે. મારી ૨૪ વર્ષની કરિયરને જોઈઅે તો માત્ર એક વસ્તુ અા ફિલ્મમાં એવી છે જેના વિશે લોકો વધુ જાણતા નથી અને તે છે મારું બાળપણ. મેં કેવી રીતે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું તેની સાથે જોડાયેલી યાદો પણ છે.

અા ફિલ્મમાં દર્શકોને મારા અને અંજલિના રોમાન્સ વિશે પણ જાણવા મળશે. કેવી રીતે હું તેને મળ્યો અને કેવી રીતે અમે લગ્નનાં બંધનમાં બંધાયાં.
http://sambhaavnews.com/

You might also like